મહિલાઓના બાળકો માટે સલામત અને પૌષ્ટિક વાતાવરણ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
સચિવાલય-ગાંધીનગર ખાતે ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓના બાળકોને સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ મળી રહે તે હેતુથી બ્લોક નં. 10 ના બીજા માળે કુંજવાટિકા શિશુ સંભાળ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. આ કેન્દ્રનું રૂ. 48 લાખના ખર્ચે નવિનીકરણ કરવામાં આવ્યું છે. લોકાર્પણ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા અને રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે થયું હતું.
- Advertisement -
મહત્વપૂર્ણ માહિતી મુજબ, કુંજવાટિકામાં નોકરી કરતી મહિલાઓના 6 વર્ષ સુધીના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. બાળકોને પૌષ્ટિક આહાર અને સારાં સ્વાસ્થ્ય માટે સવારે દૂધ, બપોરે જમવાનું અને પછી નાસ્તો આપવામાં આવે છે. આ કેન્દ્રથી સચિવાલયમાં કામ કરતી મહિલાઓ પોતાના કામ અને બાળકો બંનેનું યોગ્ય ધ્યાન રાખી શકે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા સચિવાલય સંકુલ અને અમદાવાદ ખાતે કુલ ચાર શિશુ સંભાળ કેન્દ્ર કાર્યરત છે. જેમાં બે નવા સચિવાલય, એક જુના સચિવાલય અને એક અમદાવાદ, બહુમાળી ભવન ખાતે કાર્યરત છે. કુલ 102 બાળકોને આ કેન્દ્રોમાં સારી સંભાળ આપવામાં આવી રહી છે.
લોકાર્પણ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.