શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન કવનની પથ્થરમાં કોતરણી: મુંબઇને પ્રેરણાદાયી સ્મારક તથા કમ્યુનિટી સ્પેસની ભેંટ
ખાસ-ખબર સંવાદદાતા
કાર્તિક પૂર્ણિમા-મહાન ભારતીય સંત શ્રીમદ્ રાજચંદ્રજીની 156મી જન્મજયંતિને શ્રીમદ્ રાજચંદ્ર સ્મારકના ભવ્ય અનાવરણ અને સંલગ્ન શ્રીમદ્ રાજચંદ્રજી માર્ગના નામકરણ પછી રોયલ ઓપેરા હોઉસ ખાતે એક સમારોહમાં ઉમંગભેર ઉજવવામાં આવી હતી.
આ સમારોહ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજી સાથે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપજી ધનખડ, મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશજી બૈસ, મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાજી મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસાલકર, વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રા અને અન્ય અનેક મહાનુભાવોની ઉપસ્થિતિથી શોભાયમાન હતો.
પ્રસ્તુત સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને તેમણે સામાજિક ઉત્થાનમાં આપેલ અમૂલ્ય યોગદાનને બિરદાવતાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના પાવન હસ્તે ‘જનકલ્યાણ હિતૈષી’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
જગદીપ ધનખડેએ આ પ્રસંગે અહોભાવ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘શ્રીમદ્ રાજચંદ્ર સ્મારક પોતે જ લોકો માટે જ્ઞાનનો સ્ત્રોત્ર છે. ભારતની સંસ્કૃતિ 5000 વર્ષ જૂની છે, જે શ્રીમદ્જી જેવા મહાપુરૂષોના કારણે ટકી રહી છે. ભારતને આગળ લઈ જનારા મહાત્મા ગાંધીજી અને નરેન્દ્ર મોદીજી બંન્નેએ શ્રીમદ્ રાજચંદ્રજી પાસેથી પ્રેરણા મેળવી છે. શ્રીમદ્જીના જ્ઞાનપ્રવાહને આગળ લઈ જનારા પૂજ્ય ગુરૂદેવ રાકેશજી પોતાના જ્ઞાન પ્રકાશથી લોકોના જીવનને ઉત્કૃષ્ટ બનાવી રહ્યા છે. સાથે જ મિશનની વિશાળ સેવા પ્રવૃત્તિઓ જરૂરિયાતમંદ લોકોના દુ:ખ દૂર કરી રહી છે, જે પરમાત્માની સાચી સેવા છે.’ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનું સામાજિક અભિયાન શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર મુંબઈમાં ચેરીટેબલ કાર્યો કરવામાં અગ્રેસર છે. પ્રસ્તુત કાર્યક્રમમાં તેમના દ્વારા મહારાષ્ટ્રના ગઢચિરોલી તેમ જ રાજસ્થાનમાં ઉપરાષ્ટ્રપતિના વતન ઝુનઝુનુમાં નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. શ્રીમદ્ રાજચંદ્ર સ્મારકમાં શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનને શ્રદ્ધાંજલિ અર્પતાં 72 ફૂટથી વધુ લાંબા જાજરમાન ભીંતચિત્રો છે જે તેમના સહવાસમાં આવેલા લોકો પર તેમનો ઊંડો પ્રભાવ તેમજ રાષ્ટ્રમાં તેમના અમૂલ્ય યોગદાનને દર્શાવે છે. આ સ્મારકનું એક સુંદર સહેલગાહમાં વિસ્તરણ થાય છે જેમાં રમવાની જગ્યા, લિનિયર બગીચો, રીફ્લેક્સોલોજી પથ, યોગ પ્લાઝા, બોટાનિકલ ગાર્ડનનો સમાવેશ જાહેર કલા, સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોનું નિરૂપણ કરે છે જે સ્થાનિક લોકોની સુખાકારી અને ઉત્સાહમાં ઉમેરો કરશે.
શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપદેશો અને પરોપકારી પ્રવૃત્તિઓએ મુંબઈમાં તેમના સમય દરમિયાન અસંખ્ય લોકોના જીવનમાં રૂપાંતરણ આણ્યું હતું. તેમણે અધ્યાત્મ અને નિ:સ્વાર્થ સેવાનો કાયમી વારસો આપ્યો છે, જે આજે 135 વર્ષ પછી પણ મુંબઈમાં અનેક જીવનનું ઉત્થાન કરી રહ્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરના સામાજિક કાર્યક્રમોની વિશાળ શ્રેણી મુંબઈ અને મહારાષ્ટ્રમાં વર્ષોથી અનેક લોકોના જીવનને લાભાન્વિત કરી રહી છે.
આમ શ્રીમદ્ રાજચંદ્ર સ્મારક સ્થાનિક રહેવાસીઓ માટે એક કમ્યુનિટી સ્પેસ બનશે અને નાગરિકો તથા રાહદારીઓ માટે શ્રીમદ્જી દ્વારા પ્રકાશિત માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપશે.