શિવરથયાત્રા સમિતિ દ્વારા શિવરાત્રિના દિવસે ભવ્ય રથયાત્રાનું આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
સનાતન ધર્મ શિવ રથયાત્રાનું આયોજન શિવ રથયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવશે જેના ભાગરૂપે તા. 11 ને રવિવારના રોજ સાંજે 4 વાગ્યે શ્રી ભગતસિંહ કોમ્પલેક્ષ, સૂતા હનુમાનજી મંદિરની સામે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે શિવ રથાયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. દશનામ ગોસ્વામી સમાજ શિવ રથયાત્રા સમિતિએ રાજકોટ શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ પાઠવ્યું છે.
શિવ રથયાત્રા સમિતિ દ્વારા આખા રાજકોટને ભગવામય બનાવી દેવા માટે આ વખતે સતત અગિયારમા વર્ષે પણ ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ વર્ષે અયોધ્યા ખાતે રામલલ્લા બિરાજમાન થયા તે દરમિયાનનો નજારો સમગ્ર ભારતવર્ષમાં જોવા મળ્યો. તેની એક ઝલક આ સનાતન ધર્મ શિવ રથયાત્રામાં પણ જોવા મળશે. આ યાત્રામાં દેવાધિદેવ મહાદેવની સવારીમાં ઘોડા, હાથી અને ઉંટનો કાફલો તેમજ માતાઓ-બહેનો ધુન અને રાસની રમઝટ બોલાવશે. નાના ભૂલકાંઓ કોઈ શિવ-પાર્વતી બનશે તો કોઈ રામ-સીતા, કોઈ હનુમાનજી બનીને સૌનું મન મોહી લેશે.
હજારોની સંખ્યામાં બાઈક લઈને યુવાનો જોડાશે. સંતો અને મહંતોની વિશેષ ઉપસ્થિતિ વાતાવરણને ધાર્મિક બનાવશે. આ યાત્રામાં બાર જ્યાતિર્લિંગ શ્રેણીમાં કેદારનાથ જ્યોતિર્લિંગરૂપે મહાદેવ મુખ્ય રથમાં બિરાજમાન થશે.
‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે ભાવેશગીરી નિરવગીરી, ધર્મેન્દ્રગીરી ચતુરગીરી, ગૌતમગીરી ચમનગીરી, હાર્દિકપુરી મુકેશપુરી, અજયવન રમેશવન, હિતેશભારતી વિનોદભારતી, અક્ષાંશગીરી હસમુખગીરી, જયેશગીરી દયાલગીરી, મનીષગીરી કનુગીરી, મિલનભારતી પરેશભારતી, પ્રતીકગીરી કમલેશગીરી, વિશાલભારતી હિંમતભારતી, જેનીશભારતી મુકેશભારતી સહિતના સભ્યો આવ્યા હતા.