પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ઓપનિંગ સેરેમનીમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યા હાજર
મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર યુનિ. ના મેદાનમાં 12 દિવસમાં કુલ 40 મેચ રમાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશની સૌથી પ્રતિષ્ઠિત સ્પોર્ટસ ઇવેન્ટસમાંની એક એવી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું 74મું સંસ્કરણનું આજે રાજકોટ પોલીસ હેડ ક્વાટર ખાતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
શહેર પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાયેલા આ રંગારંગ કાર્યક્રમમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં આ રાષ્ટ્રીય સ્તરની હોકી ચેમ્પિયનશિપમાં ભારતભરના વિવિધ રાજ્ય પોલીસ દળો, કેન્દ્ર સરકારની અર્ધલશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓની કુલ 32 ટીમો ભાગ લેશે જેમાં 24 પુરુષ ટીમો અને 8 મહિલા ટીમોનો સમાવેશ થાય છે આ તકે ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયમાં ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ બોર્ડ દ્વારા દર વર્ષે અલગ અલગ રમતની અલગ અલગ રાજ્યમાં વિવિધ રાષ્ટ્રીય સ્તરની રમતનું આયોજન કરવામાં આવતું હોય છે ગુજરાત માટે આ ગૌરવની વાત છે કે ગુજરાતને આ તક મળી છે આપણા દેશમાં હોકીની ગૌરવપૂર્ણ પરંપરા રહી છે. આ પરંપરા જાળવી રાખવા માટે પોલીસ જવાનો પણ હોકીની રમતમાં ખુબ ઉસ્તાહથી ભાગ લેતા હોય છે એકબીજા સાથે સંકલન કરવાની પોલીસિંગની કોર વેલ્યુ અલગ અલગ રમતમાં જોવા મળે છે આ આયોજનનું સદભાગ્ય રાજકોટ શહેર પોલીસને પ્રાપ્ત થયું છે. જેમના માટે રેસકોર્સમાં આવેલ મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ – આધુનિક સુવિધાઓ સાથેનું આંતરરાષ્ટ્રીય સ્તરનું મેદાન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ – રાજ્ય સ્તરની અનેક ચેમ્પિયનશિપનું યજમાન રહી ચૂકેલું મેદાનમાં ટુર્નામેન્ટના આયોજનથી અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજકોટ હેડ ક્વાર્ટર ખાતે ઓપનિંગ સેરેમનીમાં દેશભરની પોલીસની 32 ટીમોએ પરેડ યોજી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય પોલીસવડા વિકાસ સહાય સાથે આર્મ્સ યુનિટના વડા અને ડિજીપી રાજુ ભાર્ગવ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા, ડિસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડિસીપી હેતલ પટેલ, ડીસીપી રાકેશ દેસાઈ, ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર
રહ્યા હતાં.
આ ઉપરાંત ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, કલેક્ટર ડો.ઓમપ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદ સહિતના અધિકારી-પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતાં ઉપરોક્ત બંને ગ્રાઉન્ડ ખાતે આજથી શરુ થયેલી ટુર્નામેન્ટ આગામી તારીખ 14 સુધી એટલે કે 12 દિવસ સુધી ચાલશે 12 દિવસ દરમિયાન કુલ 40 મેચ રમાડવામાં આવશે.
આજે એમપી, કર્ણાટક, બંગાળ અને ગુજરાત સહીતના 4 મેચ
- Advertisement -
હોકી ચેમ્પિયનશિપનો આજથી પ્રારંભ થયો છે આજે પ્રથમ દિવસે કુલ ચાર મેચ રમાડવામાં આવશે જેમાં મધ્યપ્રદેશ અને એસએસબી, કર્ણાટક અને વેસ્ટ બેંગાલ, તેલંગાણા અને ઉત્તરાખંડ તેમજ ગુજરાત અને આંધ્રપ્રદેશની ટિમો સામસામે ટકરાશે.



