અર્થામૃત
કથામૃત: ન્યુયોર્ક શહેર અને બ્રુકલિનને જોડતો એક પુલ બનાવવાનો વિચાર આવતા જહોન ઓગસ્ટસ રોબલિંગ નામના એન્જિનિયરે પુલની ડિઝાઇન બનાવી. તમામ નિષ્ણાતોએ તેની આ ડિઝાઇન તદ્દન અવ્યવહારુ છે અને આવો પુલ બની જ ન શકે એમ કહીને એને ગાંડો ગણાવ્યો. જહોનને માત્ર એક જ વ્યક્તિનો સાથ હતો અને તે હતો તેનો દીકરો વોશિંગ્ટન રોબલિંગ. બાપ-દીકરાએ સાથે મળીને કામગીરી શરૂ કરી. આ માટે એન્જિનિયરોની એક ટીમ તૈયાર કરી. કામ હજુ તો વેગ પકડે તે પહેલા જ કામ કરતા બનેલી એક દુર્ઘટનાને કારણે તા. 22-7-1869ના રોજ જહોન રોબલિંગનું અવસાન થયું. ‘પિતા વગર આ કામ આગળ કેમ વધશે?’ એમ વિચારવાને બદલે બાપનું સપનું પૂર્ણ કરવા માટે હવે દીકરાએ બધાં જ કામની જવાબદારી પોતાના માથા પર લીધી. પણ વિધિની વક્રતા જુવો કે વોશિંગ્ટન રોબલિંગ પણ બાપની જેમ જ તા. 3-1-1870ના રોજ એક દુર્ઘટનાનો ભોગ બન્યો અને એનું શરીર કામ કરતું બંધ થઈ ગયું. પુલ બનાવવા માટે કામ કરતા એન્જિનિયરોને એ કોઈ માર્ગદર્શન આપી શકે એમ ન હતો, કારણ કે એના હાથની માત્ર એક આંગળી જ કામ કરતી હતી. પિતાએ હાથ પર લીધેલા પ્રોજેક્ટને પૂર્ણ કરવા હવે વોશિંગ્ટને પત્ની એમિલીનો સાથ લીધો. માત્ર આંગળીના ઇશારે એણે એક ભાષા વિકસાવી જે માત્ર એમિલી જ સમજી શકતી હતી. એમિલીએ પણ પતિને પૂરો સહકાર આપ્યો. એ ગણિત અને ઇજનેરીવિદ્યા શીખી અને પતિ જે કંઈ પણ આંગળીના ઇશારે સમજાવે તે પ્રમાણે પુલનું કામ કરતા ઇજનેરોને એ માર્ગદર્શન આપવા લાગી. પૂરા 13 વર્ષ સુધી આ રીતે ચાલ્યું અને 1883ના વર્ષમાં જહોન રોબલિંગનું સપનું પુત્ર વોશિંગ્ટન અને પુત્રવધૂ એમિલીએ સાકાર કરી બતાવ્યું. આજે આ બ્રુકલિન બ્રિજ પરથી રોજના લાખો લોકો પસાર થાય છે.
- Advertisement -
બોધામૃત
જો મનોબળ દ્દઢ હોય તો દુનિયાની કોઈ તાકાત આપણને સફળ થતા રોકી શકે નહીં. ગમે તેવી મુશ્કેલીઓની વચ્ચે પણ આપણી સાહસયાત્રા ચાલુ રહે તો મુકામ સુધી પહોંચે જ એમાં શંકાને કોઈ સ્થાન નથી. કોઈ કામ હાથ પર લો અને કોઈ પ્રશ્નો ઊભા થાય ત્યારે આ ઘટનાને યાદ કરજો.
અનુભવામૃત
અડચણો ત્યારે જ દેખાય છે, જ્યારે તમે તમારા ધ્યેય પરથી આંખ ખસેડી લો છો! -હેન્રી ફોર્ડ