ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરના વોર્ડ નંબર 9 વિસ્તારમાં આવતા નાની કેનાલ નજીક મુનનગરથી ઓમપાર્ક સુધીનો રોડ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો છે. અહીંથી દરરોજ મોટી સંખ્યમાં વાહન ચાલક પસાર થાય છે પરંતુ રોડની હાલત એટલી હદે દયનીય છે કે ત્યાંથી વાહન લઈને તો દુર ચાલીને પણ નીકળવું મુશ્કેલ છે. સીસી રોડ ધોવાઇ જતા હાલ માત્ર ચામડી વિનાનું હાડ પિંજર વધ્યું હોય તેમ સિમેન્ટ કપચી ઉખડી જતા ઠેર ઠેર માત્ર સળિયા જ બચ્યા છે અને અનેક સ્થળે મસમોટા ખાડા પડવાના કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી છે.
આ ઉપરાંત મૂનનગરથી ઓમપાર્ક સુધીના રોડ પર ખુબ ઓછા અંતરે અનેક બમ્પ ખડકી દેવાયા છે જેના કારણે વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત આ વિસ્તારમાં આવેલ ખુલ્લા કોમન પ્લોટ તેમજ ખુલ્લી જગ્યામાં વરસાદ બાદ હજુ પણ વરસાદી પાણીનો ભરાવો થયેલો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી ત્યાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે અને તેના કારણે આ વિસ્તારમાં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારી થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ વિસ્તારની સમસ્યા બાબતે અગાઉ 27 મી જુલાઈના રોજ આ વિસ્તારના જાગૃત નાગરીક મેહુલ ગાંભવા દ્વારા રજૂઆત કરવા છતાં આજદિન સુધી પાલિકા એક પણ સમસ્યાના ઉકેલ માટે પહોંચી નથી. લોકો પાસેથી સમયસર વેરા ઉઘરાવી લેતી નગરપાલિકા કામગીરી કરવામાં પાછી પાની કરતી હોવાથી સ્થાનીકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.