ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદર શહેરની સૌથી જૂની અને જાણીતી ગરબી એટલે ગામની જૂની હવેલીની ગરબી. સૌથી જૂની ગરબી હોય તેથી ગરબી જોવા માટે ગ્રામ્ય વિસ્તારના લોકો રાત્રીના ઘર પરિવાર સાથે આવે છે.આ ગરીબીમાં વર્ષોથી સંચાલકો બદલતા રહે છે અને નવા નવા કાર્યકરો માતાજીના આ સેવા કાર્યોમાં જોડાતા રહે છે, અહીં અતિ પ્રાચીન ગરબાની ઉપર બહેનો સંગીતના તાલે ગરબા રમે છે.વિસાવદર શહેરની માત્ર આ એક જ ગરબી છે કે જ્યાં 12 વર્ષ ઉપરાંતની દીકરીને રાખવામાં આવતી નથી. આ ગરબીની ખાસ વિશેષતા એ છે કે, ખૂબ જ નાની નાની કુવારીકાઓ જેને અન્ય કોઈપણ ગરબી મંડળમાં રાખવામાં ન આવે તેવી તમામ દીકરીઓના ઉત્સાહ ઉમંગ જોઈ આ ગરબીમાં રાખવામાં આવે છે. આ બાળાઓનો રાસ જોવા લોકો ઉમટી પડે છે.વિસાવદરમાં અનેક ગરબીઓ બંધ થાય છે અને ફરી નવા સંચાલકો આવતા ફરી ચાલુ કરાય છે,ત્યારે વિસાવદરમાં જૂની બજાર તરીકે ઓળખાતા રોડ ઉપર જૂની હવેલીમાં પહેલા આ ગરબી થતી પરંતુ છેલ્લા 40 વર્ષથી ત્યાં રોડ ઉપર ગરબી થાય છે. આ ગરબીમાં દાતાઓ તરફથી આપવામાં આવતી લાણી દરરોજ બાળાઓને આપવામાં આવે છે.ઉપરાંત ગરબીમાં નાત જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતીની દીકરીને રાખવામાં આવે છે.ગરબીમાં 40 દીકરીઓ રાસ ગરબામાં રહેલ છે. વિસાવદરની આ ગરબીમાં કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને કોઈપણ પ્રકારનું ઇનામ આપવું હોય તો સંચાલકો પાસે નોંધાવી શકે છે.