પોલીસે કાયદાનો પાઠ ભણાવતા આરોપીના સુર બદલાયા, કહ્યું- ’બીજી વાર મારાથી આવી ભૂલ નહીં થાય’
સોશિયલ મીડિયામાં વિડીયો ફરતો થતાં પોલીસની કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના વિરાણી ચોક નજીક આજે બપોરના સમયે એક યુવકે નજીવી બાબતે છરીની અણીએ કાર ચાલક સામે રૌફ જમાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતાં પોલીસ હરકતમાં આવી હતી. જે બાદ પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડીને તેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
- Advertisement -
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજે બપોરે 2 વાગ્યાની આસપાસ વિરાણી ચોક નજીક કાર અને એક્ટિવા વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયો હતો. જેથી ઉશ્કેરાયેલા એક્ટિવા ચાલકે જાહેરમાં છરી વડે દાદાગીરી કરીને રૌફ જમાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો સામે આવતા એ-ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમાં તેની ઓળખ દિવ્યરાજસિંહ જાડેજા તરીકે થઈ હતી.
જે બાદ મહિલા પોલીસ બાવડું ઝાલીને દિગ્વિજયસિંહને જે જગ્યાએ રૌફ જમાવ્યો હતો, ત્યાં લઈ ગઈ હતી. જ્યાં જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતુ. આખરે યુવક પાસે માફી પણ મંગાવવામાં આવી હતી. પોલીસની સરભરા બાદ દિગ્વિજયસિંહની ભાઈગીરીનું ભૂત ઉતર્યું હોય તેમ તેણે માફી માંગી હતી. આ સાથે જ બીજી વખત આવી ભૂલ નહી થાય તેમ જણાવ્યું હતુ. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.