પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા
‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ કરાયું લોન્ચિંગ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે સંકલ્પપત્ર જાહેર કરતા પહેલા જનતા જર્નાદનના અભિપ્રાય લેવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા અગ્રેસર ગુજરાત કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન ગુજરાત ચૂંટણી જાહેર થયા બાદ રાજ્યમાં પ્રથમ વખત સભા સંબોધી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે વલસાડના કપરાડામાં આ ગુજરાત મેં બનાવ્યુ છે તેવો નારો આપ્યો હતો. સભા દરમિયાન પીએમ દ્વારા 19 વખત આ નારો પોકારવામાં આવ્યો હતો. દરમિયાન પીએમના નારાને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અભિયાન તરીકે લેવામાં આવ્યો છે અને આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આ અભિયાનનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે કપરાડામાં જાહેર સભા દરમિયાન ગુજરાતના અદ્વિતીય વિકાસ માટે કોઇ પાર્ટી કે નેતાનો નહી પરંતુ ગુજરાતની જનતાનો સિંહ ફાળો છે. તેવો મેસેજ આપવા માંગતા હોય તેમ 19 વખત આ ગુજરાત મેં બનાવ્યુ છે તેવો નારો પોકાર્યો હતો. જેને વિધાનસભાની આગામી ચૂંટણીમાં એક સુવ્યવસ્થિત પ્રચાર મુદ્ા તરીકે લેવાનો ભાજપ દ્વારા વ્યૂહ ઘડી કાઢવામાં આવ્યો છે.
પ્રત્યેક ગુજરાતી બોલે છે, પ્રત્યેક ગુજરાતીના અંતરનો અવાજ બોલે છે. પ્રત્યેક ગુજરાતીના હૈયામાંથી નિકળી રહ્યો છે. એક જ નાદ આ ગુજરાત મેં બનાવ્યુ છે તે અભિયાનનું લોન્ચીંગ આજે સવારે કમલમ ખાતેથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યુ હતું. વિધાનસભાની આગામી ચૂંટણીમાં આ અભિયાનને એક પ્રચાર મુદ્ા તરીકે સામેલ કરવામાં આવશે. ઘર-ઘર સુધી આ નારો પહોંચાડવામાં આવશે.
- Advertisement -
‘નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ’
વલસાડથી શરૂ થયેલ વડાપ્રધાનની પ્રથમ ચૂંટણી સભામાં શંખનાદ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થયા બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કરપડાના નાનાપોંઢા ખાતે જાહેરસભા સંબોધી હતી. આ સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, લોકતંત્રના ઉત્સવનું બ્યુગલ વાગ્યું છે. ચૂંટણી જાહેર થયા પછી ચૂંટણી પ્રચારનો પહેલો કાર્યક્રમ આદિવાસી ભાઇ-બહેનો વચ્ચે રાખ્યો છે તેનો મને ખૂબ જ આંનદ છે. મારા માટે ’એ’ ફોર એટલે આદિવાસી.. એટલે મારા માટે સૌભાગ્યની વાત પણ છે કે મારી ચૂંટણીની પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશિર્વાદ લઇને કરીશ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગુજરાતના લોકોએ ફરી એક વાર ભાજપની સરકાર બનાવવાનું મન બનાવી દીધું છે. તેના મને દિલ્હીમાં વાવળ મળી ગયા છે. સાથે ભાજપના જૂના તમામ રેકોર્ડ તોડવાનું પણ મન બનાવી દીધું છે. આ ચૂંટણીમાં ગુજરાત ભાજપ મારી પાસે જેટલો સમય માંગશે એટલો સમય હું આપીશ. આ વખતની ચૂંટણીમાં હું મારા જ રેકોર્ડ તોડવા માંગુ છું. નરેન્દ્ર કરતાં ભુપેન્દ્રના રેકોર્ડ મોટા હોય તેના માટે કામ કરવું છે. ગુજરાતના લોકો પાસે ખભેથી ખભો મિલાવી સંપુર્ણ ગુજરાતનો વિકાસ, આપણા સમાજનો વિકાસ કરવાનો અવસર છે. ભાજપ રાષ્ટ્રના વિકાસ માટે જ ગુજરાતના વિકાસની ભાવના લઇ કામ કરે છે. ભુપેન્દ્રભાઇ પટેલ, સી.આર. પાટીલ સહિતના લોકો વિકાસ યાત્રા આગળ વધારી રહ્યા છે.