વર્ષ 2022માં દુનિયામાં કુલ 89000 મહિલાઓની હત્યા: ભારતમાં સ્ત્રીઓની હત્યામાં ઘટાડો
યુએન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ અને યુએન વીમેનનાં અધ્યયનમાં ચોંકાવનારો ખુલાસો
ખાસ-ખબર સંવાદદાતા
નારી જન્મદાતા છે. પરિવારની ધરોહર છે પણ આજ નારી પ્રત્યે પરિવારની ક્રુરતા પણ જોવા મળે છે. ગત વર્ષે પોતાના જ પરિવારના હાથે દુનિયાભરમાં 48800 જેટલી મહિલાઓની હત્યા થઈ હતી. ડ્રગ્સ અને અપરાધ પર સંયુકત રાષ્ટ્ર કાર્યાલય (યુએનઓડીસી) તથા યુએન વીમેનનાં નવા સંશોધનમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.
આ સંશોધન અનુસાર વર્ષ 2022 માં દુનિયાભરમાં 89000 મહિલાઓ અને છોકરીઓને જાણી જોઈને મારી નાંખવામાં આવી હતી.
આ આંકડા છેલ્લા બે દાયકામાં નોંધાયેલા આંકડામાં સૌથી વધુ છે. કુલ હત્યાઓના આંકડામાં ઘટાડા છતાં મહિલાઓની હત્યામાં વૃધ્ધિ થઈ છે.
જાણી જોઈને કરાયેલી 89 હજાર મહિલાઓની હત્યામાં 55 ટકા અર્થાત 48800 ને તો પરિવારનાં સભ્યો કે તેના પતિએ, જ મારી નાખી છે.સરેરાશ 133 થી વધુ મહિલાઓને તેના જ ઘરમાં કોઈને કોઈ રીતે મારી નખાઈ છે.જયારે 12 ટકા પુરૂૂષ પણ હત્યાના શિકાર થયા છે. રિપોર્ટ અનુસાર ભારતમાં દહેજ હત્યા સહિત અન્ય જાતિ (જેન્ડર) સબંધી હત્યાઓમાં ઘટાડો થયો છે. જોકે ભારતના 2022 ના આંકડા ઉપલબ્ધ નથી પરંતુ છેલ્લા દાયકાઓમાં તેમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઉતરી અમેરીકામાં પતિ કે પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવતી મહિલાઓની હત્યાઓમાં વર્ષ 2017 અને 2022 દરમ્યાન 29 ટકાની વૃધ્ધિ નોંધાઈ છે. આફ્રિકામાં 20000, એશીયામાં 8400, અમેરિકામાં 7900, યુરોપમાં 2300 અને ઓશિનિયામાં 200 મહિલાઓની હત્યા કરાઈ હતી.એક લાખની વસ્તીએ આફ્રિકામાં 2.8, એશીયામાં 1.5, યુરોપમાં 0.6 અને ઓશિનિયામાં 1.1 મહિલાઓની હત્યા થઈ છે.