મકાનમાં ત્રણ બકરી, એક વાછડી, એક વાછડાને મારી નાખ્યાં: ખેડૂતો ભયભીત
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.17
તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગીર ગામની સીમમાં બંધ મકાનના નળીયા ખસેડી મકાનની અંદર ખાબકી દિપડો પાંચ પશુના મારણ કરી જતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. આ બનાવની વિગત એવી છે કે તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગીર ગામની સીમમાં હિરણ નદીના કાંઠા ઉપર આવેલ ભીમશીભાઈ હમીરભાઈ બામરોટીયા ની વાડીના બંધ મકાનના ગત રાત્રે નળીયા ખસેડી જંગલમાંથી આવી ચડેલ ખુંખાર દીપડો મકાનની અંદર ખાબકી મકાનમાં રાખેલ ત્રણ બકરા,એક વાછડી અને વાછડા ઉપર હુમલો કરી પાંચેય પશુઓને મારી નાખ્યાં હતાં.વાડી માલિક સવારે વાડીએ જતા આ બનાવની ખબર પડતાં વનવિભાગ ની કચેરીને જાણ કરતા વનવિભાગ નો સ્ટાફ બનાવના સ્થળે દોડી આવ્યો હતો.દિપડાએ મારણ કરેલ પશુઓનું રોજકામ કરી દિપડાને પકડવા પાંજરૂ ગોઠવ્યું હતું.બંધ મકાનનાં નળીયા ખસેડી મકાનની અંદર દિપડાએ પાંચ પશુના મારણ કરી જવાના બનાવથી હિરણ નદી કાંઠા વિસ્તારની સીમના ખેડૂતો ભયભીત થઈ ગયા છે.