ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ વરસાદમાં ધોવાઈ ગઈ હતી, ત્યારે હવે દરેકની નજર બીજા દિવસની રમત પર ટકેલી છે. ત્યારે હાલ ભારતીય ટીમ બેટિંગ કરી રહી છે. લંચ સુધીમાં ભારતની 6 વિકેટ પડી ચૂકી છે અને સ્કોર 40 રનની નજીક છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચના બીજા દિવસે (17 ઓક્ટોબર) ટોસ જીતીને બેટિંગ લીધી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ બેંગલુરુ ટેસ્ટમાં ભારત માટે ઓપનિંગ કરવા આવ્યા. ન્યૂઝીલેન્ડે પહેલી 6 ઓવરમાં ખૂબ જ સખત બોલિંગ કરી અને ભારતીય ટીમ માત્ર 9 રન બનાવી શકી. શરૂઆતના દબાણની અસર રોહિત પર જોવા મળી અને તે ટિમ સાઉથીના ઇનકમિંગ બોલ પર માત્ર 2 રન બનાવીને ક્લીન બોલ્ડ થઈ ગયો. આ પછી વિરાટ કોહલી અને સરફરાઝ ખાન પણ એક પણ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયા. એક સમયે ભારતનો સ્કોર 9-0 હતો, પરંતુ 10 રન થયા ત્યાં સુધીમાં તો ત્રણ વિકેટ પડી ગઈ.
આ પછી ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલે (13) થોડા સમય માટે ઇનિંગ્સને સંભાળી. પરંતુ જયસ્વાલ વિલિયમ ઓ’રર્કના બોલ પર એજાઝ પટેલના હાથે કેચ આઉટ થઈ ગયો. ભારતીય ટીમને 31 રન પર ચોથો ઝટકો લાગ્યો. આના થોડા સમય બાદ કેએલ રાહુલ (0) પણ પાંચમી વિકેટ તરીકે 33 રન બનાવીને આઉટ થઈ ગયો. ટીમ ઇન્ડિયાના સ્કોરમાં માત્ર 1 વધુ રન ઉમેરાયો હતો અને રવિન્દ્ર જાડેજા પણ બેજવાબદાર શોટ રમીને શૂન્ય પર આઉટ થઈ ગયો.
આ મેચ માટે ટીમ ઇન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા. ઇજાગ્રસ્ત શુભમન ગિલના સ્થાને સરફરાઝ ખાન ટીમમાં પરત ફર્યો. તો આકાશ દીપની જગ્યાએ કુલદીપને ત્રીજા સ્પિનર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ભારતીય ધરતી પર એકપણ દ્વિપક્ષીય ટેસ્ટ સીરીઝ જીતવામાં સફળ રહી નથી. આ વખતે બંને ટીમો વચ્ચે 13મી ટેસ્ટ સિરીઝ રમાશે. ભારતીય ટીમની કપ્તાની રોહિત શર્માના હાથમાં છે. જ્યારે ટોમ લાથમ કિવી ટીમની કમાન સંભાળી રહ્યા છે.
- Advertisement -
પ્રથમ દિવસે વરસાદના કારણે મેચ ધોવાઈ ગઈ. ગઈકાલે (16 ઓક્ટોબર) મેચનો પ્રથમ દિવસ હતો. પરંતુ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. વરસાદનો કહેર એટલો હતો કે ટોસ પણ થઈ શક્યો ન હતો. દિવસભર વરસાદના કારણે મેદાન પર કવર લગાવી રાખ્યા હતા. ઘણી વખત એવા અપડેટ્સ આવ્યા હતા કે મેચ શરૂ થઈ શકે છે, પરંતુ લગભગ 2.30 વાગ્યે મેચના પ્રસારણ દરમિયાન, ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સબા કરીમે જાહેરાત કરી કે 16 ઓક્ટોબરની રમત રદ કરવામાં આવી છે.
બંને દેશોની પ્લેઈંગ ઈલેવન
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન – રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન – ટોમ લોથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મેટ હેનરી, ટિમ સાઉથી, એજાઝ પટેલ અને વિલિયમ ઓ’રર્કે.