11 જિલ્લાઓમાંથી 14.54 લાખ કિલો અનાજ જેની કિંમત 2.57 કરોડ
સાબરકાંઠામાં 4.77 લાખ કિલો સરકારી અનાજ સગેવગે
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકારી અનાજની દુકાનો પર ચાલતાં કૌભાંડના આંકડા વિધાનસભા સત્રમાં સરકાર દ્વારા રજુ કરવામાં આવ્યા છે. જેના અનુસાર આંકડાઓ મુજબ 11 જિલ્લાઓમાંથી 14 લાખ 54 હજાર કિલો અનાજનો સગેવગે થયો હોવાનું સામે આવ્યું છે. આ વચ્ચે સુરતમાં સૌથી વધુ 4.99 લાખ કિલો સરકારી અનાજ સગેવગે કરવામાં આવ્યું છે.
વિધાનસભા ગૃહમાં જ્યારે કોંગ્રેસ ધારાસભ્યોએ રાજ્યમાં સરકારી અનાજ સગેવગે થવા અંગે પ્રશ્ન પૂછ્યા હતા ત્યારે સરકારી અનાજ સગેવગે થયાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. માં રાજ્યના 11 જિલ્લામાંથી સરકારી અનાજ સગેવગે થયાના આંકડા સામે આવ્યા છે. જે મુજબ 11 જિલ્લાઓમાંથી 14 લાખ 54 હજાર કિલો અનાજનો સગેવગે થયો છે.
એટલું જ નહીં કુલ 11 જિલ્લામાં રૂ.2 કરોડ 57 લાખની કિંમતનો જથ્થો સગેવગે થયો હોવાનું ગૃહમાં જણાવાયું છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્ન પર સરકારે આ જવાબ આપ્યો હતો. મહત્વનું છે કે, સુરતમાં સૌથી વધુ 4.99 લાખ કિલો અનાજનો જથ્થો સગેવગે થયો તો સાબરકાંઠા જિલ્લામાં 4.77 લાખ કિલો સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ વિધાનસભા ગૃહમાં ગુજરાત રાજ્ય અન્ન આયોગનો વર્ષ 2022-23નો અહેવાલ રજૂ કરાયો છે, અહેવાલ અનુસાર, અન્ન આયોગને તા. 1-4-2022થી 31-03-2023 સુધીમાં વાજબી ભાવની દુકાનેથી અનાજનો પૂરતો જથ્થો નહિ મળવા, અનાજ ગુણવત્તાસભર ન હોવાના સહિતની અલગ અલગ કુલ 934 ફરિયાદો મળી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, જે અરજી કે ફરિયાદો મળી હતી તેવા કિસ્સામાં હકારાત્મક નિકાલ કરાયો છે.