શાહનામા
– નરેશ શાહ
હિમાચલના રાનીખેતમાં કુમાઉ રેજીમેન્ટ સેન્ટરનું થાણું છે. તેના ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં દાખલ થવા માટે તમારે લાલ પથ્થરના બનેલાં ગેટમાંથી પસાર થવું પડે. તેનું નામ સોમનાથ ગેટ છે. આ નામકરણ જાંબાઝ મેજર સોમનાથ શર્માને અપાયેલી ટ્રિબ્યુટ પ્લસ ઓનર છે. મેજર સોમનાથ શર્માનું નામ કે કામ આપણે ન જાણતા હોઈએ તો એ એવી શરમ છે કે એક વખત અરિસામાં જોઈને જાત પર ધિક્કાર દર્શાવી દેવો પડે. મેજર સોમનાથ શર્મા ભારતના એવા પ્રથમ શહીદ છે કે જેમને સૌ પ્રથમ વખત લશ્કરનો સર્વોચ્ચ ખિતાબ પરમવીર ચક્ર આપવામાં આવ્યો હતો. અલબત્ત, એ સન્માન મરણોત્તર હતું. ભારતીય લશ્કરની ત્રણેય પાંખમાં પરમ વીર ચક્ર મેળવવાને સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે અને એ સન્માન પાત્ર જવાનને ભરપુર આદરથી જોવામાં આવે છે. પરમ વીર ચક્રની મહતા એ વાતથી સમજાશે કે આઝાદીના સિતેર વરસ થયા ત્યાં સુધીના વરસોમાં માત્ર એક્વીસ જ પરમ વીર ચક્ર એનાયત થયા છે. બેશક, આ ગૌરવ પુરસ્કારની પરંપરા મેજર સોમનાથ શર્માથી શરૂ થયેલી તેમ કહી શકાય કારણકે, ભારત-પાકિસ્તાનના ભાગલાં પડયા પછી તાજેતાજા થયેલાં યુદ્ઘમાં મેજર સોમનાથ શર્મા સહીત નાયક યદુનાથ સિંહ, કંપની હવાલદાર મેજર પીરુસિંહ શેખાવતને મરણોત્તર અને લાંસ નાયક કરમસિંહ અને સેક્ધડ લેફટનન્ટ રામા રાધોબા રાલોને પણ પરમવીર ચક્રથી સન્માનમાં આવ્યા હતા. રચના બિષ્ટ રાવતનું પુસ્તક ધ બ્રેવ (પરમવીર ચક્ર સ્ટોરીઝ) તમને યાદ દેવડાવે છે કે લાન્સ નાયક અને સેક્ધડ લેફટનન્ટ ભાગ્યશાળી હતા કે તેઓ પરમવીર ચક્રને છાતી પર લગાડીને જોવા માટે યુદ્ધમાં જીવતાં રહી શક્યા હતા.
- Advertisement -
આર્મી બેકગ્રાઉન્ડ ધરાવતાં ફેમિલીમાં જન્મેલાં સોમનાથ શર્મા આર્મીમાં સેક્ધડ લેફટનન્ટ બન્યાં ત્યારે માત્ર ઓગણીસ વરસના હતા. નવેમ્બર, 1947માં પાકિસ્તાન સામેનું યુદ્ઘ લડતાં-લડતાં તેઓ શહીદ થયા ત્યારે તેઓ માત્ર ચોવીસ વરસના હતા સર ફર્કથી ઉંચું થઈ જાય તેવી વાત એ છે કે ત્રીજી નવેમ્બર, 1947ની વહેલી સવારે કુમાઉ રેજીમેન્ટની બે કંપનીના નેતૃત્વ સાથે સોમનાથ શર્મા નીકળ્યા ત્યારે તેમના એક હાથમાં ફ્રેકચર હતું. એ રીતે જોઈએ તો તેઓ બેઝકેમ્પ પર જ રહી શક્તા હતા છતાં જીદ કરીને તેઓ પાકિસ્તાન પ્રેરિત લડાકુઓને રોક્વા માટે પોતાની કંપની સાથે જવા તૈયાર થયા હતા…
ત્રીજી નવેમ્બરની આગલી રાતે જ ગુપ્ત માહિતી ભારતીય લશ્કરને મળી હતી કે પાકિસ્તાની સેનાના દોરી સંચાર સાથે લગભગ એક હજાર જેટલાં પઠાણ-લડવૈયાઓ શ્રીનગર તરફ આગળ વધી રહ્યાં છે. પાકિસ્તાની સેનાનો એવો મનસુબો હતો કે શ્રીનગર એરફિલ્ડ પર કબજો કરી લેવો કે જેથી ભારતીય સૈનિકોને મળતી તમામ એરસુવિધા-શસ્ત્રો-સૈનિકો વગેરે અટકી જાય. પાકિસ્તાન સામે લડતાં ભારતીય સૈન્યને પાકિસ્તાન આ રીતે પંગુ બનાવી દેવા માગતું હતું… કારગીલ જોઈ ચૂકેલી પેઢીએ નોંધવું જોઈએ કે એ વખતની જેમ જ પાકિસ્તાનની (સેના અને આઈસએસએસ) કાયમ એક મોડસ ઓપરેન્ડીથી કાશ્મીરમા અટકચાળાં કરતું રહે છે. કારગીલની જેમ જ 1947માં પણ પાકિસ્તાની સૈન્યએ કાશ્મીર-ભારત પર એટેક કરવા માટે ટ્રેઈન્ડ પઠાણોનો જ ઉપયોગ ર્ક્યો હતો.
મેજર સોમનાથ શર્મા અને તેમની કંપનીના સૈનિકોનું કામ પણ એ જ હતું કે, પાકિસ્તાની સૈનિકોની દોરવણી સાથે શ્રીનગરના એરફિલ્ડને કબજામાં લેવા માટે આગળ વધી રહેલાં પઠાણોને તેમનું ધાર્યું કરવા ન દેવું અને ધોબી પછાડ આપીને પાછાં મોકલી દેવા યા તેમને બંદી બનાવવા શ્રીનગર એરફિલ્ડથી ત્રણ ચાર કિલોમીટર દૂર આવેલાં બડગાંવ નામના ગામ નજીકની એક પહાડી પર મેજર સોમનાથ શર્મા અને તેમની ટૂકડી પહોંચી ગઈ અને દુશ્મનો સાથે મુકાબલો થઈ જાય તો સલામતી અને પ્રહાર માટે જરૂરી એવા ખાડા પણ તેમણે ખોદી લીધા. બીજી ટૂકડીએ દક્ષ્ાિણ-પૂર્વમાં પોઝિશન લઈ લીધી. તેણે રિપોર્ટ આપ્યો કે બડગાંવમાં શાંતિ અને ખામોશી જ છે… મેજર શર્માએ પણ જોયું કે ગામવાસીઓ તેમનું કામ કરી રહ્યા છે પણ હા, થોડા ભયગ્રસ્ત જરૂર લાગતા હતા ગામમાં દિવસ દરમિયાન ખાસ કશું શંકાસ્પદ ન લાગતાં મેજર સોમનાથ શર્માએ એક ટૂકડીને બપોર પછી શ્રીનગર એરફિલ્ડ પર પાછી મોકલી દીધી. એ પછી શ્રીનગરથી શર્માને પણ સૂચના મળી કે તેઓ પણ બડગાંવ છોડી શકે છે. જો કે મેજર સોમનાથ શર્માએ નક્કી ર્ક્યું કે તેઓ સાંજ સુધી રહ્યાં પછી જ બડગાંવ છોડશે… વાસ્તવિક્તા એ હતી કે ગામમાં નાની નાની સંખ્યામાં દેખાતા લોકો દરઅસલ બડગાંવવાસી નહીં, પાકિસ્તાન વતી લડનારાં પઠાણો હતા, જેઓ લોકલ વસ્ત્રો-દેખાવમાં ગામમાં ચોતરફ ફેલાઈ ગયા હતા.
- Advertisement -
બડગાંવમાં લગભગ સાતસો જેટલા પાકિસ્તાનીઓ છૂટાછવાયાં પથરાઈ ગયા એટલે પાકિસ્તાની સેનાના મેજરે ધીરજ ખોઈ દીધી અને તેણે મેજર સોમનાથ શર્મા અને તેની કંપનીના નેવું સૈનિકો ફરતે ગોઠવાઈને હુમલો શરૂ કરી દીધો. ભારતીય સેના સ્તબ્ધ હતી કારણ કે ફાયરિંગની શરૂઆત બડગાંવમાંથી થઈ હતી… પાકિસ્તાની સાત દુશ્મન સામે ભારતના એક સૈનિકે લડવાનું આવ્યું હતું. મેજર સોમનાથ શર્મા જાણતા હતા કે જો તેઓ મુકાબલામાં ઉણાં ઉતરે તો થોડાં જ કલાકોમાં શ્રીનગર એરફિલ્ડ પાકિસ્તાનના કબજામાં આવી જાય. તેમણે અને તેમની કંપનીએ પૂરા શૂરાતન સાથે સાતસો સૈનિકો લામે લડત આપી. બીજી મદદ પહોંચી અને પાકિસ્તાનીઓએ પાછીપાની કરી લેવી પડી ત્યારે મેજર સોમનાથ શર્મા, સૂબેદાર પ્રેમસિંહ મહેતા સહીત વીસ સૈનિકો શહીદ થઈ ગયા હતા. છવ્વીસ ઘાયલ થયા હતા. જો કે તેમણે ત્રણસો પાકિસ્તાની દુશ્મનોના બડગાંવમાં ઢીમ ઢાળી દીધા હતા અને જાનફેસાનીની આવી અજોડ મિશાલ પૂરી પાડવા બદલ આઝાદ ભારતનો પ્રથમ પરમવીર ચક્ર મેજર સોમનાથ શર્માને અપાયો હતો.
છેલ્લે એક વિશેષ માહિતી. દૂરદર્શન પર દર્શાવાયેલી અને ચેતન આનંદે ડિરેકટ કરેલી પરમ વીર ચક્ર સિરિયલમાં મેજર સોમનાથ શર્માનું કિરદાર ફારુક શેખએ ભજવ્યું હતું.
મેજર સોમનાથ શર્મા ભારતના એવા પ્રથમ શહીદ છે કે જેમને
સૌ પ્રથમ વખત લશ્કરનો સર્વોચ્ચ ખિતાબ પરમવીર ચક્ર આપવામાં આવ્યો હતો.