બે મહિના પૂર્વે જાહેર રોડ પર નાખેલા બ્લોક ઉખડી ગયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
મૂળી તાલુકાના સરા ગામે વિકાસના કામમાં ભ્રષ્ટાચારે દેખા દીધી છે જેમાં સરા ગામના જૂના બસ સ્ટેન્ડ રોડ પર બે મહિના પૂર્વે નાખવામાં આવેલ બ્લોક હાલ ઉખડી ગયા છે. અહીં બે મહિના પૂર્વે બ્લોક નાખવાની કામગીરી આરંભી હતી તે સમયે જ નબળી ગુણવત્તા જેવી કામગીરી કરવામાં આવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યારે સરા ગામમાં પ્રવેશદ્વાર સમા આ રોડ અને પ્રસિધ્ધ મેલડી માતાજીનું ધામ આવેલ છે અહીં દરરોજ અનેક દર્શનાર્થી દર્શન માટે આવે છે ત્યારે ગામના પ્રવેશદ્વાર પર જ આ પ્રકારની હાલત જોવા મળી રહી છે. છતાં સરા ગ્રામપંચાયત દ્વારા આ ગંભીર બાબતને ધ્યાને લેવામાં આવતી નથી. જ્યારે બે મહિના પૂર્વે આ કામગીરીમાં સિમેન્ટ પર બ્લોક નાખવાની બદલે માત્ર રેતી નાખી બ્લોક ફિટ કરી દેવામાં આવ્યા છે જેથી બે મહિના જેટલા ટૂંકા ગાળામાં જ બ્લોક ઉખડી જતા કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.