પતિ પત્ની ઔર વો: આક્ષેપ પ્રતિઆક્ષેપોની વણઝાર વચ્ચે એક જ મુદ્દો ટૉક ઓફ ધ ટાઉન : ક્યાંક સળગ્યું હોય તો જ ધુમાડો નીકળે !!
આગામી દિવસોમાં કડાકા ભડાકા થવાના એંધાણ
- Advertisement -
ચારિત્ર્યની આશંકાએ પત્નીને માર મારનાર પતિ વિરુદ્ધ ફરિયાદ બાદ અજય લોરીયાનું નામ ચર્ચાના એરણે !
શ્રદ્ધાએ અજય લોરીયાના કહેવાથી મેહુલભાઈ અને હર્ષદભાઈનું નામ લખાવ્યું: નિરવ રાજપરા
મારે અજય લોરીયા સાથે કોઈ આડા સંબંધ નથી, મારો પતિ ખોટા આક્ષેપ કરે છે: શ્રદ્ધા રાજપરા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં પરિણીતાના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને પતિએ હોકી વડે માર માર્યો હોવાની ઘટના બની હતી જેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસ આગામી સમયમાં આરોપી પતિની ધરપકડ કરશે પરંતુ આ કેસમાં આગામી દિવસોમાં મોટા કડાકા ભડાકા થાય એવી શક્યતાઓ છે. આ સમગ્ર મામલામાં ધાર્યા બહારની કેટલીક વાસ્તવિકતાના એંધાણ વર્તાઈ રહ્યા છે તો ફરિયાદી પરિણીતા અને તેના પતિના વિડિયો બાદ આરોપી પતિ સિવાય મોરબીના એક યુવા રાજકીય આગેવાન સહિત અન્ય ત્રણ વ્યક્તિઓની પણ આબરૂ દાવ પર લાગી છે.
- Advertisement -
મોરબીમાં રહેતી શ્રદ્ધા રાજપરા નામની પરિણીતાએ તેના પતિ નીરવ રાજપરા સામે હોકીથી માર માર્યો હોવાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી પરિણીતાએ ત્રણ વ્યક્તિઓ સાથે આડા સંબંધની આશંકાથી પતિએ માર માર્યાનો ઉલ્લેખ કર્યો છે. આ ત્રણ વ્યક્તિઓમાં મોરબી ભાજપના જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા, મેહુલ સ્ટુડીયોવાળા મેહુલભાઈ અને જીમના ટ્રેનર હર્ષદભાઈના નામ ફરિયાદી દ્વારા આપવામાં આવ્યા છે ત્યારે આ ફરિયાદમાં અજય લોરીયાનું નામ આવતા મોરબીમાં આ મુદો ચર્ચાના એરણે ચડી ગયો છે.
ફરીયાદ બાદ એ ડિવિઝન પોલીસ આરોપી પતિને શોધી રહી છે તો પતિ-પત્નીના મામલામાં મોરબીના જાણીતા ત્રણ પાત્રોના નામ જોડાતા સમગ્ર મોરબીમાં આ વિષય હોટ ટોપીક બનીને ચર્ચાઈ રહ્યો છે તો બીજી બાજુ ફરિયાદીના પતિ દ્વારા આવનારા દિવસોમાં કેટલાક કડાકા ભડાકા કરવામાં આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.
આ કેસમાં એક પછી એક ફણગા ફૂટી રહ્યા છે ત્યારે પત્નીની ફરીયાદ બાદ પતિ નીરવ રાજપરાએ એક વિડીયો તેના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે, શ્રદ્ધા રાજપરાએ અજય લોરીયાના કહેવાથી ફરિયાદમાં મેહુલભાઈ અને હર્ષદભાઈનું નામ લખાવ્યું છે જોકે નિરવના આ વિડીયો બાદ અજય લોરિયાની પત્નીની હાજરીમાં ફરિયાદી મહિલા શ્રદ્ધા રાજપરાનો અજય લોરીયાનો બચાવ કરતો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેને કહ્યું છે કે, અજય લોરીયા પર કરેલા આક્ષેપો સદંતર ખોટા છે. અજય લોરિયા સાથે તેના આડા નહીં પરંતુ ધંધાકીય અને પારિવારિક સબંધ છે. વધુમાં તેને કહ્યું છે કે, તે ડિઝાઇનર છે અને તેનો પતિ કઈ કમાતો ન હતો અને તેના બૂટિકે આવીને પણ તેના પતિએ ઘણી વખત માથાકૂટ કરેલ છે.
પાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિમાંથી અજય લોરીયાની આયોજકો દ્વારા હકાલપટ્ટી!
મોરબીમાં દંપતી વચ્ચે થયેલા ઝઘડામાં પત્નીએ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં અજય લોરિયા સહિત અન્ય બે વ્યક્તિઓનું નામ સામે આવતાં પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકોએ એક પ્રેસનોટ જાહેર કરી અજય લોરિયાને તાત્કાલિક અસરથી છૂટો કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરતા ભારે ચકચાર મચી ગઈ છે. પ્રેસનોટમાં જણાવ્યા મુજબ, અજય લોરીયાએ આ પાટીદાર નવરાત્રીનો ઉપયોગ પોતાના નામ માટે, પોતાના સબંધ વધારવા માટે, પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને પોતાના અંગત લાભ માટે કરેલ છે જોકે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન માત્ર અજય લોરિયા દ્વારા નહી પરંતુ અનેક લોકોના સહકારથી થતું હતું જેમાં આયોજકો તરીકે પ્રેસનોટમાં સહી કરનાર વ્યક્તિઓનો સિંહફાળો છે.
વધુમાં જણાવાયું છે કે, નવરાત્રીમાં વધતી રકમનો ક્યાંકને ક્યાંક સદઉપયોગ થાય એ હેતુથી પાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિ આ આયોજનમાં તન, મન અને ધનથી સેવા આપે છે. અવારનવાર ઘણા સજ્જન માણસોએ અજય લોરિયાના નામ જોગ અમને કહ્યું હતું કે, અજય લોરિયા પાટીદાર નવરાત્રી મહોત્સવનો ઉપયોગ ફક્ત પોતાના અંગત સ્વાર્થ માટે કરે છે અને જે સેવા કાર્યનો સાચો જશ પાટીદાર નવરાત્રીના બધા આયોજકોને મળવો જોઈએ. હમણા મોરબીમાં પતિ પત્નીના કંકાસનો એક બનાવ બનેલ છે તેનો સંપૂર્ણ પાપનો જવાબદાર અજય લોરીયા છે. આ બનાવમાં અમારા એક નિર્દોષ અને આયોજકો પૈકીના મેહુલભાઈનું નામ એફઆઈઆરમાં અજયે ફરિયાદી પાસે લખાવડાવ્યું એવું નીચ્ચ કક્ષાનું કામ તેના દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ મેહુલભાઈ નિર્દોષ છે એના પુરાવા પણ છે. અજય લોરિયાના બીજા ઘણા બધા એવા કાંડની ચર્ચા અમે સાંભળી છે. પાટીદાર નવરાત્રી મહોત્સવને અજય લોરીયા અને તેની સંસ્થા ’સેવા એજ સંપતિ ફાઉન્ડેશન’ સાથે કોઈ લેવા દેવા નથી.