34 હજાર નક્કી કરેલું ભાડું બે માસ આપ્યું : બાદ ઑફિસને તાળાં મારી દીધા
8 શખ્સો સાથે ઠગાઇ : મેટોડાના શખસ સામે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટના ટ્વિન સ્ટાર કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા શખ્સે કંપનીમાં કાર ભાડે મુકવાની અને મોટું ભાડું અપાવવાની લાલચ આપી 8 કાર માલિકો પાસેથી રૂ.48.75 લાખની 8 કાર મેળવી લઈ કાર સગેવગે કરી ઓફિસને તાળું મારી ફરાર થઇ જનાર મેટોડાના શખસ સામે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટની નવાગામની શક્તિ સોસાયટીમાં રહેતા અને ખાનગી પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં જયેશભાઇ દુર્લભભાઇ અગ્રાવતે ઉ.38 મેટોડા રહેતા અને ટ્વિન સ્ટાર ટાવરમાં ઓફિસ ધરાવતાં ચેતન કનક પરમાર સામે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પાસે ઇનોવા કાર છે. ચેતનએ ફ્લિપકાર્ટમાં કાર ભાડે મુકાવી સારું ભાડું અપાવતો હોવાની જાણ થતાં જયેશભાઇ તેના પરિચિતો સાથે ચેતનની ઓફિસે ગયા હતા અને ત્યાં ચેતને કારને ઉપરોક્ત કંપનીમાં ભાડે મુકાવી દેવાનું કહી 34 હજાર માસિક ભાડું આપશે તેવી વાત કરી હતી. તેમજ ડ્રાઇવર અને કારનો અન્ય ખર્ચ પણ કંપની ઉઠાવશે તેવી ખાતરી આપી હતી જેથી તેમણે પોતાની ઇનોવા કાર ભાડે આપી દીધી હતી
એટલું જ નહીં તેમના બે સાળા, ભત્રીજા અને તેના મિત્રોની મળી અન્ય સાત કાર પણ ચેતન પાસે ભાડે મુકાવી હતી ચેતન પરમારે બે મહિના સુધી ભાડું આપ્યું હતું પરંતુ ત્યારબાદ તેણે ભાડું આપવાનું બંધ કરી દીધું હતું. પોતાની કાર તથા અન્ય સાત કારનું ભાડું નહીં મળતાં જયેશભાઇ ટ્વિન સ્ટાર કોમ્પ્લેક્સે ગયા ત્યારે ચેતન પરમાર ઓફિસને તાળાં મારી નાસી ગયાનું જાણવા મળ્યું હતું તેણે કંપનીમાં કાર ભાડે મૂકી જ નહોતી પરંતુ બારોબાર 8 કારનો વહીવટ કરી છેતરપિંડી આચરી હોવાનું ખૂલતાં પોલીસે ગુનો નોંધી ચેતન પરમારની શોધખોળ શરૂ કરી હતી.