રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 યુગલોના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહલગ્નના નામે રૂપિયા પડાવી લગ્નના દિવસે જ આયોજકો રફુચક્કર થઇ ગયા છે. જેથી વરરાજા, વધુ અને પરિવારજનો રઝળ પડ્યાં છે.
આજના આ મોંઘવારીના સમયમાં મધ્યમવર્ગ પીસાઇ રહ્યો છે. ત્યારે દરેક વ્યક્તિ પૈસા બચાવવાનું વિચારતો હોય છે. ત્યારે ગઠિયાઓ આવા જ લોકોને પોતાનું નિશાન બનાવીને ઠગતા હોય છે. આવો જ એક નવો છેતરપિંડીનો કીમિયો રાજકોટમાં જોવા મળ્યો છે. રાજકોટમાં સમૂહલગ્નના નામે રૂપિયા પડાવી લગ્નના દિવસે જ આયોજકો રફુચક્કર થઇ ગયા છે. 28 જાન લગ્નસ્થળે પહોંચી ત્યારે ખબર પડી કે અહીં કોઇ જ આયોજન કરવામાં આવ્યું નથી. જેથી લીલા તોરણે જાન પાછી લઇ જવાનો વારો આવ્યો છે.
- Advertisement -
પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 યુગલોના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે જાનૈયાઓ હરખભેર જાન જોડીને લગ્નસ્થળે આવી પહોંચ્યા હતા. જ્યારે કન્યા પક્ષના લોકો પણ કન્યા સાથે લગ્ન સ્થળે આવ્યા હતા. પરંતુ લગ્નસ્થળની સ્થિતિ જોઇને સૌ કોઇ અચંબામાં પડી ગયા હતા. લગ્નની અંતિમ ઘડીએ આયોજકો રફ્ફુચક્કર થતા 28 લગ્ન અટકી પડ્યા છે. જોકે, આ ઘટના બાદ, આયોજકો ફોન સ્વીચઓફ કરી ભૂર્ગમાં ઉતરી ગયા છે. આયોજકો ફરાર થતા વર-વધૂ સાથે કલાકારો પણ અટવાયા છે.
ઋષિવંશી ગ્રુપ દ્વારા આજે રાજકોટ ખાતે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં 28 યગુલોના લગ્ન થવાના હતા. ઠગબાજોએ પ્રત્યેક વરઘોડિયા પાસે 40 હજાર ઉઘરાવ્યા હતા. ઠગબાજ આયોજકોએ કન્યા પક્ષ પાસેથી પણ 15 હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા. આટલું જ નહીં, આયોજકો દિલીપ ગોહિલ, ચંદ્રેશ છત્રોલા, દીપક હિરાણીએ એન.વી.ઈવેન્ટ ગ્રુપના નામથી રસીદ આપી હતી. સંગીત સંધ્યા અને લોક ડાયરાનું પણ આયોજનનું વચન આપ્યું હતું. જો કે, વરઘોડિયાના આ તમામ સ્વપ્ન રોળાઇ ગયા છે.
પોલીસ ઘટના સ્થળે પહોંચી
- Advertisement -
રાજકોટમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું ઋષિ વંશી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ આયોજકો ફરાર થઈ જતા 28 જાન લીલા તોરણે પરત ફરી હતી. જે બાદ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ડીસીપી ઘટના સ્થળે પહોંચ્યા હતા જેઓએ જણાવ્યું હતું કે, કુલ 28 વર પક્ષ તેમજ કન્યા પક્ષનાં લગ્ન હતા. ચંદ્રેશભાઈ છત્રોલીયા તેના મુખ્ય આયોજક હતા. પરંતું અમે આવ્યા ત્યાં સુધી અમુક લોકો જતા રહ્યા છે. અને જે હાજર છે એમને અમે પોલીસ દ્વારા તમામ મદદ કરી તેઓની લગ્ન વિધિ કરાવશું. તેમજ પોલીસ દ્વારા તેઓને પુરે પુરો સહયોગ આપીશું.
રાજકોટ પોલીસ વરઘોડિયાની વ્હારે આવી
આ આઘાતજનક ઘાટના બાદ રાજકોટ પોલીસનો માનવીય અભિગમ જોવા મળ્યો હતો. ઉપસ્થિત વરઘોડિયાના લગ્ન કરાવવાની રાજકોટ પોલીસે પોતાના શિરે જવાબદારી લીધી હતી. રાજકોટ ડીસીપી ઝોન-1 સજજનસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં કહ્યું કે જેટલા યુગલો હાલ અહીં છે તેમની વિધિ સંપન્ન થાય તે મુજબનું કાર્ય પોલીસ કરશે અને જે યુગલોને લગ્ન કરવા છે તેમને લગ્ન પણ રાજકોટ શહેર પોલીસ પૂર્ણ કરાવશે. તેમજ દીકરીઓને કોઈપણ વસ્તુઓની કચાસ ન રહે તેવું કાર્ય કરવામાં આવશે. સાથે પોલીસ દીકરીઓના ક્ધયાદાન પણ કરશે, જાનૈયાઓ સહીત તમામ માટે જમણવારની વ્યવસ્થા પણ કરાશે. સાથે દીકરીઓને વટ ભેર સાસરે વળાવશે. રાજકોટ શહેર પોલીસે કહ્યા મુજબ તમામ કાર્ય તરતજ શરુ કરી દીધુ હતું. આ પ્રસંગે એસિપી રાધિકા ભારાઈની પ્રશંસનીય કામગીરી સામે આવી હતી. ત્યારે રાજકોટ પોલીસના ડીસીપી, એસીપી સહિતના સ્ટાફે નવદંપત્તીને આશીર્વાદ આપતા લોકોએ તાળીઓ પાડી અને રાજકોટ પોલીસ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
દાતાઓએ આપ્યું છે 35 લાખથી વધુનું મસમોટું દાન
સમૂહ લગ્નને સફળ બનાવવા દેશ-વિદેશના અનેક દાતાઓએ 50 હજારથી લઈને 15 લાખ સુધીની માતબર રકમનું મસમોટું દાન આપ્યું છે. આ સિવાય 50 હજારથી નાની રકમોના અનેક દાતાઓએ પોતાની મૂડી દાન રૂપે આપી છે. છપાયેલી કંકોતરી મુજબ જો દાનની રકમની ગણતરી કરવામાં આવે તો આ રકમ રૂપિયા 35 લાખથી વધુની જણાઈ આવે છે. પરંતુ આયોજકો એ આ રકમનું શું કર્યું હશે તે એક મોટો પ્રશ્ર્ન છે. અહીંની પરિસ્થિતિ જોતા એવું સ્પષ્ટ પાને જણાઈ આવે છે કે આયોજકો આ રકને ચાઉં કરી ગયા છે. જો કે આ વાત અતિ નિંદનીય અને શરમજનક ગણાય. અપાયેલા દાનની યાદી જોઈએ તો 15,51,000/- રમેશભાઈ બાબુભાઈ પારેખ-લંડન, 6,51,000/- સિરામીક ગ્રુપ-મોરબી, 5,51,000/- સ્વ. ગજુભા વિક્રમસિંહ ગોહિલ-ભાવનગર, 2,51,000/- નાથાલાલ જાદવશીભાઈ શાહ-કેન્યા, 1,51,000/- મોરારીબાપુ પરિવાર (તલગાજરડા), 1,11,000/- વિમલભાઈ મગનભાઈ શેઠ તથા શેઠ-બોમ્બે, 51,000/- રામભરોસે-રાજકોટ, 51,000/- પરબતભાઈ મોઢવાડિયા-પોરબંદર અને 21,000/- અરવિંદભાઈ પોપટભાઈ માંડવીયા-ભુતકોટડા ઉપરાંત અન્ય કેટલાંક દાતાઓએ પણ દાન આપ્યું હતું.
ચંદ્રેશ છત્રોલાના નાટક, હેમરાજ પાડલિયાના જવાબદારીમાંથી હાથ ખંખેરવા પ્રયાસ
ઋષિવંશી સમાજ સેવા સંઘના સ્થાપક પ્રમુખ હેમરાજ રામજીભાઈ પાડલીયા (ગાંધીનગર) છે. તેઓએ આ સંસ્થાના જવાબદાર આગેવાન છે. આ નિંદનીય ઘટના બની અને અનેક નવદંપતીઓ બને તે પહેલા જ તેઓની સાથે મસમોટી છેતરપિંડી કરવામાં આવી છે. ત્યારે હેમરાજ પાડલીયાને પણ મુખ્ય જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. જવાબદારીમાંથી છટકવા હેમરાજ પાડલિયાએ ચંદ્રેશ છત્રોલાને ગાળો ભાંડતો વિડીયો પણ બનાવ્યો છે. આયોજક ચંદ્રેશ છત્રોલાએ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોય તેવા ફોટો સ્ટેટસમાં મુક્યા હોવાની વાત સામે આવી છે. ફોટો-રિપોર્ટમાં મુકી પોતાનો બચાવ કરવા લાગ્યા હતો પરંતુ મુર્ખામી ભરી વાત એ છે કે લગ્નના આગલા જ દિવસે તમે બીમાર પડી બધા નાટકો કર્યા? તેથી ચંદ્રેશ છાત્રોલા પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી લોક માગ ઉઠવા પામી રહી છે.
માનવતાવાદી અભિગમ: JMJ ગ્રુપના મયુરધ્વજસિંહ કરાવશે લગ્ન
રાજકોટની સમુહલગ્નની દુ:ખદ ઘટના બાદ JMJ ગ્રુપના જાણીતા બિલ્ડર અને સેવાભાવી મયુરધ્વજસિંહ જાડેજાએ માનવતાવાદી અભિગમ દર્શાવીને મોટી જાહેરાત કરી છે. આવનારા ઓક્ટોબરમાં 101 દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન તેઓના દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે જે કોઈ દંપતીઓના લગ્ન થઇ શક્યા નથી તેઓ ઓક્ટોબરના આયોજનમાં પોતાનું નામ નોંધાવી શકશે. જેમાં લગ્ન સહિત કરિયાવર સુધીની સંપૂર્ણ જવાદારી લેવામાં આવશે. ઈચ્છુક ઉમેદવારોએ વધુ માહિતી માટે મોબાઈલ ફોન નંબર 9081052034, 7201900819 પર સંપર્ક કરવાનો રહેશે. સાથે જ મયુરધ્વજસિંહએ વિશેષમાં કહ્યું હતું કે સમૂહ લગ્નના થતા આયોજનો પહેલા આયોજકોની ક્રેડિબિલિટી જોવી અતિ આવશ્યક છે. તેમજ દરેક આયોજકો ખરાબ પણ નથી હોતા. પરંતુ આવી ઘટનાઓથી અન્ય સારા આયોજકોને ઘણીવાર છાંટા ઉડતા હોય છે. પરંતુ આવું ન બને તેનું ધ્યાન રાખવું પણ અતિ જરૂરી છે.