ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. કેટલીક જગ્યાએ મેઘરાજાએ સટાસટી બોલાવી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા જાહેર થયા છે.
ગુજરાતવાસીઓ છેલ્લા ઘણા સમયથી ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે રાજ્યમાં બે દિવસથી મેઘરાજાએ અનેક વિસ્તારને ધમરોળ્યું છે. ભાવનગર, બોટાદ અને અમરેલી તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા પ્રમાણે 224 તાલુકમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ બોટાદના બરવાળામાં 7.52 ઈંચ ખાબક્યો છે.
- Advertisement -
બોટાદમાં વરસાદને કારણે રેડ એલર્ટ
બોટાદની પરિસ્થિતિ વિશે માહિતી આપતા જિલ્લા કલેક્ટર જિન્સી રોયે જણાવ્યું હતું કે, ‘ ડેમ ઓવરફ્લો થવાનો હોવાથી બરવાળા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 40 લોકોને સાવચેતી રૂપે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે’. આ સિવાય જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બોટાદ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓ આજે (18 જૂન) બંધ રહેશે. આજે બોટાદમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ તાલુકામાં થઈ મેઘમહેર
- Advertisement -
રાજ્યમાં પડેલા વરસાદમાં બોટાદ સિવાય જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના સાયલામાં 6.3, મુળીમાં 6.31, થાનગઢમાં 4.76, ચુડામાં 3.78 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના જોડિયામાં 5.24 ઈંચ તો ભાવનગરના વલ્લભીપુરમાં 4.53 તેમજ ઉમરાળામાં 4.76 ઈંચ વરસાદ નોંધાય છે. સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ જિલ્લામાં વરસાદે દેખા દીધી છે. જેમાં જિલ્લાના ગાંધીધામમાં 3.39 અને અંજારમાં 2.99 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો મોરબી જિલ્લાના માળિયા મીયાણામાં 2.68 ઈંચ વરસાદ પડ્યો હતો.
આકાશમાંથી વરસી આફત
સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના વિસ્તારની વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 3.23, ધોલેરામાં 2.56 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય આણંદના બોરસદમાં 3.19 ઈંચ અને પેટલાદમાં 2.91 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ભાવનગર અને બોટાદમાં આકાશમાં આફત વરસી હતી. અનેક ગામ સંપર્ક વિહોણા થયા હતા. તેમજ કેટલાક રસ્તાઓ તૂટી પડ્યા હોવાથી વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.
હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
હવામાન વિભાગની હવામાનની આગાહી મુજબ, બુધવારે (18 જૂન) વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાતના 10 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
- રેડ એલર્ટઃ અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, જૂનાગઢ, પોરબંદર.
- ઓરેન્જ એલર્ટઃ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, તાપી, સુરત, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, જામનગર, રાજકોટ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, અમરેલી.
- યેલો એલર્ટઃ મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ.
આવતીકાલે કેવું રહેશે વાતાવરણ?
હવામાન વિભાગે ગુરુવારે (19 જૂન) દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરુચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.