રેન્જ IG, SPની રાહબારીમાં 1 SP, 3 DySP, 4 PI, 24 PSI સતત ખડેપગે રહેશે
ગ્રાઉન્ડમાં ટીખળ કરનાર તત્વોને સાવધાન રહેવા પોલીસની ચેતવણી
ખાસ-ખબર સંવાદદાતા
ખંઢેરી સ્ટેડીયમ ખાતે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝનો ત્રીજો ટેસ્ટ મેચ આગામી તા.15થી રમાવાની શરૂઆત થવાની છે. આ મેચ દરમિયાન રાજકોટ ગ્રામ્ય પોલીસ ચુસ્ત પોલીસ બદોબસ્ત ગોઠવાયો છે. 242 જવાનો મેચ દરમિયાન ખડેપગે રહેશે. રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ 1 એસપી, 3 ડીવાયએસપી, 4 પીઆઈ, 24 પીએસઆઇ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે. રાજકોટ રૂરલ પોલીસના જણાવ્યા મુજબ, આગામી તા.15/2/2024 થી તા. 19/2/2024 દરમિયાન રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારના ખંઢેરી સ્ટેડીયમ ખાતે ભારત-ઇગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝનો ત્રીજો ટેસ્ટ મેચ રમાનાર છે. જે મેચમાં મોટી સંખ્યામા પ્રેક્ષકો મેચ નીહાળનાર છે. તેમાં કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે હેતુથી રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની સુચના અનુસાર તેમજ રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડના નિરીક્ષણ હેઠળ 1 એસ.પી. 3 ડીવાયએસપી, 4 પીઆઈ, 24 પીએસઆઇ, 84 પોલીસ કર્મચારી, 38 મહીલા પોલીસ કર્મચારી, 33 ટ્રાફીક પોલીસના કર્મચારીઓ, 25 ટીઆરબી જવાન અને 30 જીઆરડી જવાન મળી 242 અધિકારી-કર્મચારી સુરક્ષા વ્યવસ્થા માટે ખડેપગે રહેશે આ ઉપરાંત ખાનગી સિક્યુરિટીના ગાર્ડ પણ સામેલ છે. આ ઉપરાંત રાજકોટ રૂરલ એલસીબી, એસઓજીની જુદી જુદી ટીમો, બોમ્બ સ્ક્વોડ બી.ડી.ડી.એસ.ની 1 ટીમ, સી.સી.ટી.વી. સર્વેલન્સની 1 ટીમ દ્વારા ખાસ નજર રાખવામાં આવશે. સ્ટેડીયમમાં પ્રવેશવાના ગેઇટ પર ચેંકીગ માટે 35 એચ.એચ.એમ.ડી. તેમજ બે બેગર્સ સ્કેનર, તેમજ 18 ડી.એફ.એમ.ડી.નો ઉપયોગ કરવામાં આવનાર છે મેચ જોવા આવતા લોકોને પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, ગ્રાઉન્ડની અંદર અન-અધિકૃત રીતે પ્રવેશ કરનાર તેમજ મેચમાં કોઇ વિક્ષેપ કે કોઇ ગ્રાઉન્ડની અંદર કોઇપણ પ્રકારનો પ્રદાર્થ ફેંકનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.