વેપારી-ખેડૂતને સતત હેરાન પરેશાન કરતાં અસામાજિક તત્વોના ત્રાસથી બીજા દિવસે ભેંસાણ બંધ
ભાજપ, કોંગ્રેસ, આપ સાથે વેપારી અને ખેડૂતો આંદોલનમાં જોડાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભેંસાણમાં અસામાજિક તત્વોનાં વધતા ત્રાસ સામે વેપારી,ખેડૂત અને તમામ રાજકીય પક્ષો સાથે રહીને લડતનાં મંડાણ શરૂ કર્યા છે. ગઈકાલ વિશાળ સંખ્યામાં રેલી યોજાય હતી અને ભેંસાણ ગામ સજ્જડ બંધ રહ્યું હતું. મામલતદાર કચેરીએ ધરણા શરૂ કર્યા અને લુખ્ખાગીરી સામે કોઈ કડક કાર્યવાહી નહિ થતા બીજા દિવસે પણ ભેંસાણ ગામ સજ્જડ બંધ રહ્યું હતું. આ આંદોલનમાં હવે આસપાસના ગામના અનેક ગામોએ ટેકો જાહેર કરી બંધમાં જોડાયા છે. અસામાજિક તત્વોના ત્રાસ સામે કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડીયા,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયા, વજુભાઇ મોવલિયા અને ભાજપ આગેવાન ઉમેશ બાંભરોલિયા તેમજ આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ ભુપત ભાયાણી અને હિતેશ વઘાસીયા અને સામાજિક આગેવાન ચંદ્રેશ ધડુક સહીત વેપારી એસોસીએશન અને ખેડૂત સહીત ગ્રામજનો આંદોલનમાં જોડાયા છે.
ભેંસાણમાં અસામાજિક તત્વો દ્વારા લુખ્ખાગીરીથી સ્થાનિક વેપારીઓ મુશ્કેલી અનભુવી રહ્યાં છે,ત્યારે તંત્ર અને પોલીસ દ્વારા કડક હાથે કામગીરી નહિ કરવામાં આવતા નાછૂટકે તમામ પક્ષો સાથે રહીને આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. જ્યાં સુધી કડક હાથે કામગીરી નહિ કરવામાં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી ભેંસાણનાં ધંધા રોજગાર બંધ રાખવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે. આગેવાનોએ એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે, ટૂંક સમયમાં પોલીસ દ્વારા કડક હાથે કામગીરી નહિ કરવામાં આવેતો સમગ્ર તાલુકો બંધ રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આંદોલનનાં બીજા દિવસે પણ ભેંસાણ બંધ રાખીને વેપારી અને ખેડૂત સહિત આગેવાનો તાલુકા સેવા સદન ખાતે ધારણા પ્રદર્શન કરીને ગામ સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. તેમજ વેપારીઓ અને ડાયમંડ એસોનાં રોહિતભાઇ સોલંકી, ચંદુભાઇ ખાવડુ, વીકી સાંસીયા, અશોક ચૌહાણ, મનસુખભાઇ વાધેલા સહિતનાંએ મામલતદારને આવેદન આપ્યું હતું.
- Advertisement -
પોલીસની ઢીલી નીતિ સામે રોષ: ચંદ્રેશ ધડુક
ભેંસાણ તાલુકામાં છેલ્લા ચાર વર્ષથી પોલીસની કામગીરીથી સ્થાનિક લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.વેપારી અને ખેડૂતને લુખ્ખાતત્વો એનકેન પ્રકારે હેરાન પરેશાન કરીને રૂપિયા પડાવી લેવામાં આવે છે.થોડા સમય પેહલા ભાટગામમાં દેશી દારૂ વેંચવાનો વિડિઓ વાયરલ થયો હતો અને ત્યાર બાદ પસવાડાના સરપંચે દેશી દારૂ પીવાનું ફરમાન કરીને ઢોલ વગાડ્યો હતો.બાદ અસામાજિક તત્વો દ્વારા સરપંચ પર હુમલો કરવાની ઘટના પણ સામે આવી હતી, તેમ સામાજિક આગેવાન ચંદ્રેશ ધડુકે જણાવ્યું હતું.
પોલીસ કાયદાની રીતે કામગીરી કરે છે: DySP
ભેંસાણ છેલ્લા બે દિવસથી બંધ રહેતા ડીવાયએસપી રત્નુએે જણાવ્યું હતું કે,પોલીસ કાયદાની રીતે કામ કરતી હોઈ છે.તમામ નાગરિકને કાયદાની જોગવાય મુજબ કામગીરી થતી હોઈ છે.કોઈ પણ વ્યક્તિને મુશ્કેલી હોઈ તો પોલીસ ફરિયાદ કરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોઈ છે.કાયદાના દાયરામાં રહીને પોલીસ કામ કરતી હોઈ છે.હજુ ભેંસાણના કોઈ પણ વ્યક્તિને મુશ્કેલી હોઈ તો ફરિયાદ કરવા આગળ આવે અને પોલીસ કામગીરી કરશે.
અસામાજિક પ્રવૃત્તિ સામે આંદોલન: હર્ષદ રીબડિયા
અસામાજિક પ્રવૃત્તિ કરનાર સામે પોલીસે કડક હાથે કામગીરી કરવી જોઈએ.આજે ભેંસાણમાં અસામાજિક પ્રવૃત્તિ કરનાર સામે વેપારી સહીતના લોકોએ સમિતિ બનાવી અને આંદોલન શરુ કર્યું.તેમાં મારો ટેકો છે અને સ્થાનિક લોકો અસામાજિક પ્રવૃત્તિ ચલાવીના શકે તેની સામે લોકોમાં રોષ છે. ત્યારે પોલીસે પણ અસામાજિક પ્રવુતિ કરનાર સામે કડક હાથે કામગીરી કરવી જોઈએ અને લોકો ને ન્યાય મળવો જોઈએ.તેમ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ જણાવ્યું હતું.