દુનિયામાં દર પાંચમો વ્યક્તિ સ્વાસ્થ્ય ખતરાનો સામનો કરશે : જર્મનીના વૈજ્ઞાનિકોના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો : એશિયા પર સૌથી વધુ અસર થશે
વધતું જતું તાપમાન અને વાયુ પ્રદુષણથી સંબંધીત મોતનો આંકડો ઝડપથી વધી શકે છે, જો તાત્કાલિક પગલાં ન ભરવામાં આવ્યા તો દર વર્ષે ત્રણ કરોડ લોકોના મોત થઈ શકે છે. જર્મની સ્થિત મેકસ પ્લેન્ક ઈન્સ્ટીટયુટ ફોર કેમીસ્ટ્રીના સંશોધનમાં આ આશંકા દર્શાવાઈ છે. સંશોધન વિજ્ઞાન પત્રિકા ન્યુઝ લાઈફ સાયન્સમાં પ્રકાશિત થયું છે.
- Advertisement -
આંતરરાષ્ટ્રીય સંશોધન દળે જણાવ્યું કે, વાયુ પ્રદુષણ અને વધુ તાપમાનથી જોડાયેલ વાર્ષિક મૃત્યુ દર સદીના અંત સુધી અનિયંત્રીત હોઈ શકે છે. પ્રદુષણથી સંબંધીત મૃત્યુ પાંચ ગણી, જયારે વધતા તાપમાનથી સંબંધીત મૃત્યુ દર સાત ગણી વધી શકે છે. આથી સદીના અંત સુધીમાં દુનિયાની 20 ટકા વસ્તી એટલે કે દર પાંચમી વ્યક્તિ ગંભીર સ્વાસ્થ્ય જોખમનો સામનો કરવા મજબૂર બનશે. ભવિષ્યમાં તાપમાનથી સંબંધીત સ્વાસ્થ્ય જોખમ વાયુ પ્રદુષણથી જોડાયેલા ખતરાથી વધુ હશે.
એશિયા પર વધુ અસર
દક્ષિણ એશિયા અને પુર્વી એશિયામાં વાયુ પ્રદુષણથી વધુ મોત થવાનું અનુમાન છે. કારણ કે સદીના અંત સુધી આ ક્ષેત્રમાં વૃદ્ધોની સંખ્યા ઝડપથી વધશે. પશ્ચિમી યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં ગરમી વધવાથી સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે, જેથી મોતનું જોખમ વધશે, જયારે અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જાપાનમાં ફેરફાર થવા લાગ્યા છે.
અનુમાન ડરામણા: સંશોધકોએ તાપમાન મુદે જણાવ્યું હતું કે, વર્ષ 2000થી વર્ષ 2010 દરમિયાન દર વર્ષે વધતી ગરમીથી સરેરાશ 16 લાખ લોકો માર્યા ગયા હતા. જો તાપમાન વધ્યુ કે આજ હાલ રહેશે તો સદીના અંત સુધીમાં આ આંકડો સાત ગણો વધીને 1.08 કરોડ થઈ જશે.
- Advertisement -
સંશોધકોએ પ્રદુષણ મુદે જણાવ્યું હતું કે, વર્ષ 2000થી 2010 દરમિયાન દર વર્ષે વાયુ પ્રદુષણના કારણે સરેરાશ 41 લાખ લોકો માર્યા ગયા હતા. વાયુ પ્રદુષણ જો વધુ વધ્યુ કે આ જ હાલ રહ્યા તો સદીના અંત સુધીમાં આ આંકડો પાંચ ગણો વધીને 1.95 કરોડ થઈ જશે.