9થી 12માં તાસદીઠ મહેનતાણું વધ્યું
ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા સરકારે મંજૂરી આપતો ઠરાવ અંતે આજે કરી દીધો છે. સંચાલક મંડળો દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23 શરૂ થઈ જતા શિક્ષકોની ખાલી જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકોની માંગણી કરવામા આવી હતી. આવતીકાલે 23મીથી રાજ્યમાં સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે આજે સરકારે પ્રવાસી શિક્ષકોની મંજૂરી આપી દીધી છે.નવા ઠરાવમાં સરકાર ધો.9થી12માં તાસદીઠ મહેનતાણું વધાર્યુ છે. ધો.1થી12ની સરકારી,ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા મંજૂરી અપાય છે.ગત 2021-22નું શૈક્ષણિક વર્ષ મેમાં પુરુ થતુ હોઈ સરકારે પ્રવાશી શિક્ષકોની મુદત લંબાવી હતી અને વર્ષ પુરુ થતા તમામને છુટા કરી દેવાયા હતા. હવે નવુ શૈક્ષણિક વર્ષ 2022-23 શરૂ થઈ ગયુ છે ત્યારે સ્કૂલોમાં ખાલી જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકોની મંજૂરી આપવા માંગ થઈ હતી. શિક્ષણ વિભાગે આજે ઠરાવ કરી દીધો છે.જેમાં વર્ષ 2022-23 પૂર્ણ થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની મુદત લંબાવી દેવાઈ છે. સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તાસદીઠ અને મહત્તમ દૈનિક માનદ વેતનમાં સુધારો કર્યો છે. જે મુજબ માધ્યમિકમાં તાસદીઠ માનદ વેતન હવે વધારીને 175 અને મહત્તમ દૈનિક માનદ વેતન 875 રૂપિયા કર્યુ છે.માધ્યમિકમાં મહત્તમ દૈનિક તાસ હવે પાંચ રહેશે જે અગાઉ છ તાસ હતા. માધ્યમિકમાં અગાઉ તાસદીઠ વેતન 135 રૂપિયા હતુ અને દૈનિક વેતન 810 રૂ. હતુ.
- Advertisement -
ઉચ્ચતર માધ્યમિકમાં તાસદીઠ માનદ વેતન વધારી રૂ.200 કરાયુ છ અને મહત્તમ દૈનિક વેતન 800 રૂપિયા કરાયુ છે.અગાઉ તાસદીઠ 140 રૂપિયા અને દૈનિક વેતન 840 રૂપિયા હતુ.ઉ.મા.હવે મહત્તમ તાસ ચાર જ રહેશે જે અગાઉ છ તાસ હતા.