આઠમાંથી છ ઓપરેશન ગુજરાતમાં : 16 પાકિસ્તાની, 3 અફઘાની સહિત 37ની ધરપકડ : ત્રણ ગેંગનો ખાત્મો કર્યાનો દાવો
ખાસ-ખબર સંવાદદાતા
નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં ગુજરાતનો દરિયો ટ્રાન્ઝીટ પોઇન્ટ બની ગયાની છાપ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓમાં કરોડો રુપિયાનું ડ્રગ્સ પકડાયું છે. ગુજરાત એટીએસની તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. એટીએસ દ્વારા કુલ 8 ઓપરેશન પાર પાડીને 6440 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. ગુજરાત એટીએસની બાતમીના આધારે ગઇકાલે કોલકાતામાંથી 197.82 કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. એટીએસ બાતમીના આધારે ડીઆરઆઈ, ક્રાઈમ બ્રાન્ચ, નાર્કોટીક બ્યુરો જેવી એજન્સીઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરતું હોય છે. માત્ર ગુજરાત જ નહીં દિલ્હી, ઉતરપ્રદેશ, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં પણ ડ્રગ્સ પકડવા માટે સફળ ઓપરેશન પાર પાડીને છેલ્લા મહિનાઓમાં 6440 કરોડના નશીલા પદાર્થો પકડી પાડીને 16 પાકિસ્તાની, 3 અફઘાની સહિત 37 આરોપીઓની ધરપકડ કરી હતી. ગુજરાત એટીએસના સુત્રોના કહેવા પ્રમાણે ભારતીય જળ સીમા, બંદર અને ભૂમિ પર ઓપરેશન કરાયા હતા. મુઝફફરનગર અને દિલ્હીમાં ચાલતી રાજી હૈદર ગેંગ દ્વારા ક્ધટેનર, દરિયાઈ માર્ગ અને લેન્ડ બોર્ડરથી હેરોઇન મંગાવવામાં આવતું હતું.
- Advertisement -
આ ગેંગનો પર્દાફાશ કરવા સાથે સુત્રધારોની ધરપકડ કરીને આંતરરાષ્ટ્રીય ગેંગનો ખાત્મો કરવામાં આવ્યો છે. આ જ રીતે પંજાબની જેલમાંથી ઓપરેટ થતી બગ્ગાખાનની ગેંગને પણ નેસ્તનાબુદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દિલ્હી અને ઉતરપ્રદેશમાં સક્રિય મુસ્તફા ગેંગને પણ નેસ્તનાબૂદ કરવામાં આવી છે. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં ગુજરાત એટીએસ અને તેની બાતમીના આધારે અન્ય એજન્સીઓ સાથેના જોઇન્ટ ઓપરેશનમાં 1288 કિલો નશીલા પદાર્થ જપ્ત કરવામાં આવ્યા છે અને તેની આંતરરાષ્ટ્રીય કિંમત રુા. 6440 કરોડ થવા જાય છે. 8 ઓપરેશનમાં 16 પાકિસ્તાની, 3 અફઘાની સહિત 37 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.