પાણીજન્ય રોગચાળાના કારણે દર વર્ષે 3 કરોડથી વધુ ભારતીયો કોઇને કોઇ બિમારીનો શિકાર બને છે: 15 લાખ બાળકો ડીહાઈડ્રેસનના કારણે આરોગ્યની વિપરીત પરિસ્થિતિનો સામનો કરે છે
દેશમાં શહેરી ક્ષેત્રોથી લઇ ગ્રામીણ વિસ્તારો સુધીમાં ચોખ્ખા પીવાના પાણી અંગે સતત પ્રશ્નો સર્જાતા રહે છે અને લોકોને હાલમાં જે પીવાનું પાણી મળે છે તે કેટલું પીવા યોગ્ય હોય છે તે પ્રશ્ન છે. ત્યારે હાલમાં જ એક સર્વેમાં જણાવાયું કે ભારતમાં પ્રદુષિત પાણીના કારણે રોગચાળામાં સતત વધારો થઇ રહ્યો છે અને દર વર્ષે અંદાજે 3.70 કરોડ લોકો પ્રદુષિત પાણીના કારણે એક યા બીજી બિમારીનો ભોગ બને છે.
- Advertisement -
ભારત તા. 1 થી 5 નવેમ્બર દરમિયાન સ્વચ્છ પાણી સપ્તાહ ઉજવી રહ્યું છે અને તે સમયે સરકારો દ્વારા ‘નળ સે જલ’ યોજના અંગે વ્યાપક પ્રચાર થાય છે પરંતુ નળમાં મળતા પાણી સહિત દેશમાં ફક્ત 2 ટકા ભારતીયોને પીવા યોગ્ય પાણી તેમના નળ મારફત મળે છે. દેશમાં 65 ટકા શહેરી ઘરોમાં હવે પાણીને સ્વચ્છ કરવા માટે કોઇને કોઇ પ્રકારની મીકેનીઝમનો ઉપયોગ કરવામાં આવે છે. લોકલ સર્કલ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં જણાવાયું છે કે પાઈપ દ્વારા પુરા પડાતા પાણીની ગુણવત્તામાં કોઇ ચોક્કસ માપદંડ નથી.
સ્થાનિક મ્યુનિસિપાલીટી કે જળ વ્યવસ્થા વિભાગ કે પંચાયત દ્વારા જે પાણી પુરુ પાડવામાં આવે છે જેમાં 5 ટકા લોકોએ ખુબ જ પ્રદુષિત પાણી મળતુ હોવાની ફરિયાદ કરી હતી અને મોટાભાગના ઘરોમાં હવે પ્યુરીફાયરની કોઇને કોઇ પ્રકારની વ્યવસ્થા છે. 34 ટકા ઘરોમાં વોટર પ્યુરીફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. 31 ટકા ઘરોમાં આરઓ સિસ્ટમનો ઉપયોગ થાય છે અને 1 ટકા ઘરોમાં ફલોરીન નાખીને ઉપયોગ થાય છે. 15 ટકા લોકો પાણીને ઉકાળીને બાદમાં જ ઉપયોગમાં લે છે. 5 ટકા લોકો જૂની પરંપરા મુજબ માટીના વાસણોમાં પાણી રાખે છે તેથી તેમાં જે જંતુઓ હોય છે તેનો નાશ થાય તેવું માનવામાં આવે છે.