ઢોરની ફરિયાદ મળશે તો માલધારીઓને અપાશે ચેતવણી: બાદમાં થશે કાર્યવાહી
ગુલાબપાર્ક, નવલનગર અને મૌટા મૌવા સહિતના વિસ્તારોમાંથી 168 પશુઓ પાંજરે પુરાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં જ્યાં જુઓ ત્યાં માર્ગ વચ્ચે અડીંગો જમાવીને બેસતા રઝળતા ઢોરની સમસ્યા વિકટ બનતી હોય છે. અત્ર તત્ર સર્વત્ર ઢોરના અડીંગા વાહન ચાલકો માટે તો અવરોધરૂપ બને છે પણ ચાલીને જતા રાહદારી માટે જોખમરૂપ છે. કયારેક તો બે આખલાની લડાઇનો નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે. જેથી મેયર ડો.પ્રદિપ ડવે આ મામલે નિર્ણય લીધો છે કે હવે રખડતાં ઢોરની રાત્રીના ફરિયાદ મળશે તો તેની સામે કાર્યવાહી થશે. જેમાં સૌ પ્રથમ માલધારીઓને ચેતવણી આપવામાં આવશે અને જો સૂચનાનું પાલન નથી થાય તો આકરા પગલાં લેવાશે.
હાલ મનપા તંત્રએ આ ઢોરોને યોગ્ય જગ્યાએ મોકલવાની અને જનતાને ઢોરના ત્રાસમાંથી મુકત કરવાની ઝુંબેશ શરુ કરી છે. જેના ભાગરૂપે તા.23-05થી 29-05-2022 સુધીના એક સપ્તાહમાં રખડતા અને અડચણરૂપ 168 પશુઓને પકડવામાં આવ્યા છે.
શહેરમાં કોઠારીયા સોલવન્ટ, ગુલાબપાર્ક, ગોકુલપાર્ક માંથી 17 પશુઓ, હુડકો ક્વાર્ટર, ન્યુ શક્તિ સોસાયટી, કુવાડવા રોડ, જય જવાન જય કિશાન, શિવનગર, તથા આજુબાજુમાંથી 18 પશુઓ, નવલનગર, આંબેડકરનગરમાંથી 8 પશુઓને પકડવામાં આવ્યા છે. જયારે રૈયાધાર, મનહરપુર, વેલનાથપરા, હિંગળાજનગરમાંથી 15 પશુઓ, ધરમનગર, પરિમલ સોસાયટી, રામેશ્વર સોસાયટીમાંથી 9 પશુઓ, નિલકંઠ ટોકીઝ પાસેથી 9 પશુઓ, શ્યામપ્રસાદ મુર્ખજી ચોક, મોટા મૌવામાંથી 8 પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 168 પશુઓ પકડવામાં આવેલ છે.