ખઇઅના વિદ્યાર્થીએ ફોટો-વીડિયો વાયરલ કર્યા, કહ્યું, ‘અમારું સાંભળનાર કોઈ નથી’
બીજા માળે આવેલી કેન્ટીનમાં જમવાની સાથે છાશ પી લીધા પછી ગ્લાસનાં તળિયે દેખાઈ જીવડાં જેવી વસ્તુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હોટેલ-હોસ્ટેલના ભોજનમાં જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં જમતી વખતે એક વિદ્યાર્થીના છાશના ગ્લાસમાંથી જીવડાં જેવી વસ્તુ નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના બાદ વિદ્યાર્થીએ તેમને અપાતા ભોજન પર અને તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાવા અનેક આક્ષેપ સાથે વીડિયો ફોટો વાયરલ કર્યા છે. બનાવની વિગત અનુસાર આજ રોજ મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહીને એમબીએનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કેન્ટીનમાં ભોજન દરમિયાન છાશના ગ્લાસમાંથી જીવડાં જેવી વસ્તુ નીકળી હતી. આ અંગે ઈશાન નામના વિદ્યાર્થીએ ’ખાસ-ખબર’ને જણાવ્યું હતું કે, આજે બીજા માળે આવેલી કેન્ટીનમાં જમવા સમયે છાશનો ગ્લાસ પૂરો પી લીધો ત્યારે ગ્લાસના નીચેના ભાગમાં જીવડાં જેવી વસ્તુ ચોંટેલી દેખાઈ હતી. અહીં અમારું કોઈ સાંભળનાર ન હોય વીડિયો-ફોટો બનાવી વાયરલ કર્યા છે. આ અંગે ફરિયાદ કોને કરવી? અહીં કોઈ મેનેજમેન્ટ જ નથી. નોંધનીય છે કે, લાખો રૂપિયા ફી વસૂલતી મારવાડી યુનિવર્સિટીમાં પણ ભોજનમાંથી જીવડાં જેવી વસ્તુ નીકળે છે અને વળી વિદ્યાર્થીની ફરિયાદ સાંભળનાર પણ કોઈ નથી. આવા સમયે મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના આરોગ્યને લઈને પ્રશ્ર્નો ઉભા થઈ રહ્યા છે કે શું આવી રીતે ભોજનની ગુણવત્તા જળવાશે? આખરે મારવાડી યુનિવર્સિટીનું મેનેજમેન્ટ શું કરી રહ્યું છે કે તેઓ અવારનવાર વિવાદમાં આવી રહ્યા છે અને મસમોટી ફી લીધા બાદ પણ વિદ્યાર્થીઓના ભણતર ઉપરાંત રહેવા-જમવા બાબતે સારી સુવિધાઓ આપી રહ્યા નથી.