1 હજાર કરોડની સરકારી જમીનનો ફરીથી કેસ ચલાવી 17 જેટલી વેચાણ દસ્તાવેજ નોંધો રદ કરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા 1 હજાર કરોડની સરકારી જમીન ફરીથી સરકાર હસ્તક દાખલ કરવાનો ચૂકાદો આપ્યો છે. વધુમાં આ ચૂકાદા અંગેની વિગત આપતાં જણાવ્યું કે જે તે સમયે ચોટીલા મામલતદારે આ ચૂકાદો આપ્યો હતો. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના બામણબોર જીવાપર ગામે આવેલી એગ્રીકલ્ચર લેન્ડ શિલીંગ એક્ટ હેઠળની 700 એકર સરકારી જમીન ખાનગી ઠેરવી દઈ રાજકોટ શહેર અને જિલ્લાના મોટા રાજકીય માથાઓએ કરોડો રૂપિયાની જમીન હડપ કરી હતી. તેની સામે બામણબોર અને જીવાપર રાજકોટ જિલ્લામાં સમાવેશ થતાં રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ 1 હજાર કરોડની સરકારી જમીન ફરીથી કેસ ચલાવી 17 જેટલી વેચાણ દસ્તાવેજ નોંધો રદ કર્યા છે. આ જમીન સરકાર ખાતે દાખલ કરવાનો ચૂકાદો આપ્યો છે.
- Advertisement -
1981માં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવતા બામણબોર અને જીવાપરની સર્વે નં. 47વાળી 364-364 એકર મળી કુલ 700 એકર જમીન એગ્રીકલ્ચર લેન્ડ શિલિંગ એક્ટ હેઠળ ચોટીલાના તત્કાલિન ઈન્ચાર્જ મામલતદાર જે. એલ. ધાડવીએ મામલતદારને રજા પર ઉતારી દઈને પોતાની પાસે ચાર્જ હોય આ જમીનનો કેસ કૃષિ પંચ અધ્યક્ષ તરીકે ચલાવી ખાનગી ઠેરવી દઈ સરકારને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. આ બાદ બામણબોર અને જીવાપર રાજકોટમાં ભળ્યા બાદ તત્કાલિન જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ આ જમીનના વેચાણની 17 જેટલી નોંધોને રિવિઝનમાં લીધી હતી જેનો કેસ હાલના કલેકટર અરૂણ મહેશ બાબુએ ચલાવી આ જમીન સરકાર હસ્તક કરવાનો ચૂકાદો આપ્યો છે.