ખાસ-ખબર સંવાદદાતા
ડોનાલ્ડ ટ્રમ્પે 2020ની ચૂંટણીમાં ગરબડો થયાનો આરોપ વધુ એક વખત લગાવ્યો હતો અને બાઈડેને બંધારણના નિયમો તોડયા હોવાનું કહ્યું હતું. એ અંગે વ્હાઈટ હાઉસે પણ ટ્રમ્પની ટીકા કરી હતી અને પૂર્વ પ્રમુખ હાર પચાવતા શીખે એવી સલાહ આપી હતી. ટ્રમ્પે 2024માં ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી હતી. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2024ની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા એપ ટ્રૂથમાં પોસ્ટ લખીને બાઈડેન તેમ જ ડેમોક્રેટિક પાર્ટી પર આરોપો લગાવ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે બાઈડેને ટેકનોલોજી કંપનીઓ સાથે સાંઠગાંઠ કરીને ચૂંટણીમાં મોટો ગોટાળો કર્યો હતો. તેનાથી બંધારણના નિયમો તૂટી ગયા છે. બાઈડેને અમેરિકાના બંધારણનો ભંગ કર્યો છે અને મોટાપાયે ચૂંટણીમાં ગરબડો આચરી હતી. ટ્રમ્પના આરોપ પ્રમાણે ડેમોક્રેટિક પાર્ટી અને બાઈડેને ટેકનોલોજી કંપનીઓ સાથે મળીને ટ્રમ્પનો પરાજય થાય તે માટે મોટું ષડયંત્ર રચ્યું હતું. અમેરિકાના બંધારણના ઘડવૈયાઓ ચૂંટણીમાં ગેરરીતિ થાય એવું ઈચ્છતા ન હતા. એ માટે ડેમોક્રેટિક પાર્ટી અને બાઈડેનને માફી મળે
તેમ નથી.
2020ની ચૂંટણીમાં ગરબડો થઈ હતી, બાઈડેને બંધારણનો ભંગ કર્યો : ટ્રમ્પ
