તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આશીર્વાદ હૉસ્પિટલને સીલ માર્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
થાનગઢ શહેરની આશીર્વાદ હોસ્પિટલના ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણહત્યા થતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં આશીર્વાદ હોસ્પિટલના સંચાલક દ્વારા વધુ રૂપિયા કમાવવાની લાલચે ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોવાના મામલે આગાઉ સોનોગ્રાફી મશીનને સીલ કરવામાં આવ્યું હતું જે બાદ તપાસનો દોર શરૂ થતા આશીર્વાદ હોસ્પિટલમાં ભ્રૂણહત્યા થતી હોવાનું પણ સામે આવ્યું હતું જેને લઈ હોસ્પિટલના સંચાલક, તબીબ અને મહિલા કર્મચારી સહિત કુલ ત્રણ વિરુધ ગુન્હો નોંધાયો હતો આ બાદ ખાનગી હોસ્પિટલના તાર શહેરની સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ સુધી જોડાયેલા હોવાનું સામે આવતા સાર્વજનિક હોસ્પિટલમાં પણ તપાસ હાથ ધરાઇ હતી જેમાં રહેલું સોનોગ્રાફી મશીનમાં થતી કામગીરી અંગે કેટલીક ક્ષતિ જોવા મળતા ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલના સોનોગ્રાફી મશીનને સીલ કરવામાં આવ્યું હતું જે બાદ હવે વિવાદિત આશીર્વાદ હોસ્પિટલને હેલ્થ ઓફિસર દ્વારા સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી.
- Advertisement -
આ તરફ જ્યારે પ્રાંત અધિકારી દ્વારા સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલના સોનોગ્રાફી મશીનને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે સ્થાનિક પત્રકારો આ અંગેનું કવરેજ લેવા માટે પહોંચ્યા હતા જેથી સાર્વજનિક હોસ્પિટલના સંચાલક દ્વારા પ્રાંત અધિકારીની હાજરીમાં જ પત્રકારો સાથે ગેરવર્તન કર્યું હોવાની પણ રાવ ઉઠી હતી જેને લઇ પત્રકારો દ્વારા સાર્વજનિક હોસ્પિટલના પ્રમુખ સુભાષ શાહ વિરુધ કડક કાર્યવાહીની માંગ કરી હતી.