દેવગઢ બારીયા નગરપાલિકાની ચૂંટણી લોહીયાળ બની, બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો, 3થી વધુને ઇજા પહોંચી : માંગરોળમાં બસપા કિંગ મેકરની ભૂમિકામાં
રાજકોટની 5 નગરપાલિકાનું ફાઈનલ રિઝલ્ટ
ઉપલેટા, ભાયાવદર, જસદણ, જેતપુર અને ધોરાજીમાં ભાજપનો ભગવો લહેરાયો, ઉપલેટામાં AIMIMએ એક બેઠક
- Advertisement -
પાયલ ગોટીકાંડ બાદ પણ અમરેલીમાં ભાજપનો દબદબો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતની 68 નગરપાલિકા, જુનાગઢ મહાનગર પાલિકા તેમજ ગાંધીનગર, કપડવંજ તથા કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણીઓના આજે પરિણામો આવવાનુ શરૂ થતા પાલિકા – પંચાયતોમાં ભાજપનું રોલર ફર્યું હોય તેવા પ્રારંભિક ટ્રેન્ડ બહાર આવી રહ્યા છે. જુનાગઢ મહાનગરપાલિકામા પણ ભાજપે 9 બેઠકો બિનહરિફ મેળવ્યા બાદ બાકીની મોટાભાગની બેઠકો ઉપર ભાજપ આગળ હોવાથી ફરી ભાજપનું શાસન આવે તેવુ ચિત્ર ઉપસ્યુ છે. જ્યારે કોંગ્રેસ કરૂણ રકાસ ભણી આગળ વધી રહી છે.
આ સિવાય રાજકોટ જિલ્લાની જેતપુર-ધોરાજી-ઉપલેટા-ભાયાવદરમા પણ ભાજપનાં ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જસદણમાં પણ અમૂક બેઠકો ઉપર કોંગ્રેસ તો મોટાભાગની બેઠકો પર ભાજપ આગળ છે. વોર્ડ નંબર 1માં બે બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. ગુજરાતની 66 નગર પાલિકાની સામાન્ય અને બે પાલિકાની મધ્યસત્ર ચૂંટણીમા પરિણામો દરમિયાન અનેક સ્થળે અપક્ષો પણ લીડ કરી રહ્યા છે તો અમૂક પાલિકામા અપસેટ જોવા મળી રહયા છે. ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પરાજય થયો છે.
- Advertisement -
જયારે જુનાગઢ મહાનગર પાલિકામા પણ ભાજપમા મોટો અપસેટ સર્જાયો છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પૂત્ર પાર્થ કોટેચાનો વોર્ડ નંબર 9માં પરાજય થયો છે. આ વોર્ડમાં ભાજપને ત્રણ અને અપક્ષને એક બેઠક મળી છે. અમરેલી જિલ્લામા પણ પાયલ ગોટી પ્રકરણ કોંગ્રેસને ફડયું નથી અને અમરેલી સહિત ચારેય નગરપાલિકાઓમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. અમરેલી ઉપરાંત જાફરાબાદ, લાઠી અને ચલાલામા ભાજપ વિજય ભણી આગળ વધી રહેલ છે.
ભાવનગર જિલ્લામા પણ બોટાદ અને ગઢડા નગરપાલિકામા ભાજપ તરફી ટ્રેન્ડ જોવા મળી રહયો છે. પ્રારંભમા 8 જેટલી બેઠકોના પરીણામો જાહેર થયા છે જે તમામ બેઠકો ભાજપને મળી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં થાન નગરપાલિકામા વોર્ડ નંબર 1માં ભાજપનો વિજય થયાના અહેવાલ મળી રહ્યા છે. આ સિવાય મોરબી જિલ્લામા વાંકાનેર જિલ્લામા પણ 18 બેઠકો પર ભાજપ આગળ હોવાના અહેવાલો છે. હળવદની મોટાભાગની બેઠકો પર ભાજપ વિનમા હોવાનું જાણવા મળેલ છે. જોકે વાંકાનેર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમા કોંગ્રેસનો વિજય થયાનું જાણવા મળી રહ્યું છે. માંગરોળ નગરપાલિકામા બસપાએ ખાતુ ખોલ્યું છે અને વોર્ડ નંબર 1માં બસપાની આખી પેનલ વિજેતા બની છે. જ્યારે કુતિયાણામા ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે જબરી સ્પર્ધા જોવા મળી રહી છે. અહીં બે બેઠક ભાજપે તો બે બેઠક સમાજવાદી પાર્ટીએ જીત્યાના અહેવાલો મળે છે.
નગરપાલિકાની ચૂંટણીમાં 5 અપસેટ
કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમા વોર્ડની ચૂંટણી હાર્યા, જૂનાગઢમાં પૂર્વ ડે.મેયર ગિરીશ કોટેચાના પુત્રનો પરાજય, સલાયામાં આપે ચોંકાવ્યા
વિમલભાઈના ચેલેન્જે કોંગ્રેસને નિરાશ કર્યા
છેલ્લા દસ વર્ષથી ચોરવાડ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું જ્યાં આ વર્ષે ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો છે. આ વર્ષની નગરપાલિકાની ચૂંટણીમાં ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ ચોરવાડ નગરપાલિકામાં ઉમેદવારી નોંધાવી હતી.અને રાજેશ ચુડાસમાને ચેલેન્જ ફેંકતા કહ્યું હતું કે, રાજેશભાઈમાં હિંમત હોય તો મારી સામે પોતે અને મારી પત્ની સામે તેની પત્નીને ઉમેદવારી નોંધાવવી જોઈતી હતી. ત્યારે ચોરવાડ નગરપાલિકાનું પરિણામ આવતાની સાથે જ વિમલ ચુડાસમાના કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી છે, તો બીજી તરફ છેલ્લા દસ વર્ષના કોંગ્રેસી શાસનનો અંત આવતા ચોરવાડ નગરપાલિકામાં કમળ ખીલ્યું છે.
જૂનાગઢના 6 વાર ડે. મેયર રહેલા
ગિરીશ કોટેચાના દબદબાનો અંત
જૂનાગઢ શહેરમાં 30 વર્ષથી ગિરીશ કોટેચાનું રાજકીય વર્ચસ્વ હતું. જોકે, ભાજપે આ વખતે તેમની ટિકિટ કાપીને તેમના પુત્ર પાર્થને ટિકિટ આપી હતી. પરંતુ તેમનો પરાજય થતા કોટેચાના રાજકીય અસ્તિત્વ સામે જ સવાલ ઉભા થયા છે. ગિરીશ કોટેચા 1 કોંગ્રેસમાંથી 5 વાર ભાજપમાંથી ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. જો કે આમ હવે તેમના માટે આ સૌથી મોટો સેટબેક છે.
સલાયાના ત્રણ વોર્ડમાં આપની લહેર
સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં 1, 2 અને 3માં આપના ચારેય ઉમેદવારોની જીત થઈ છે. જ્યારે વોર્ડ નં 4માં કોંગ્રેસના 3 ઉમેદવારોની જીત થઈ છે તેમજ એકમાં આપના ઉમેદવારની જીત થઈ છે. સલાયામાં 28 બેઠકોમાં અઅઙના 13 ઉમેદવારોની ભવ્ય જીત થઈ છે. વોર્ડ નંબર 5માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. સલાયામાં 28 બેઠકમાંથી 15માં કોંગ્રેસનો વિજય થયો છે જ્યારે 13માં આપનો વિજય થયો છે. ભાજપને અહિં એક પણ બેઠક મળી નથી. ત્યારે ભાજપની હાર પાછળ બેડ દ્વારકામાં થયેલું ડિમોલેશન પણ કારણ હોઈ શકે છે.
કાલોલમાં 10 બેઠકો પર અપક્ષનો દબદબો
પંચમહાલની કાલોલ નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકોના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે 18 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે 10 બેઠકો પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે. ગત વખતે પણ ભાજપ સત્તા પર હતું.
રાણાવાવ-કુતિયાણા નપામાં સમાજવાદી પાર્ટીનો વિજય
રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે.રાણાવાવ માં 28 માંથી 20 બેઠક પર સમાજવાદી પાર્ટી વિજય બની છે.જ્યારે ભાજપને માત્ર 8 બેઠક મળી હતી કુતિયાણા માં 24 બેઠકમાંથી સમાજવાદી પાર્ટી ને 14 અને ભાજપ ને 10 બેઠક મળી હતી કુતિયાણામાં પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરાની જીત થઈ છે પરંતુ તેમની ટીમની હાર થઈ હતી અહીં કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાની જીત થઈ હતી કુતિયાણામાં પરિવર્તન જોવા મળ્યું છે.
રાધનપુરમાં કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, 28માંથી 25 બેઠકો જીતી
રાધનપુર નગરપાલિકાની વાત કરવામાં આવે તો રાધનપુર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોમાં 25 બેઠકો પર ભાજપે કબજો કર્યો છે, જ્યારે 3 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. રાધનપુર નગરપાલિકામાં પરિવર્તનની આંધી ફૂંકાઈ છે. ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી સત્તા આંચકી ભગવો લહેરાવ્યો છે.
વોર્ડ નંબર 1માં ભાજપને 3 બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસના ફાળે એક બેઠક આવી છે. વોર્ડ નંબર 2માં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષએ 2-2 બેઠકો પર જીત નોંધાવી છે. જ્યારે વોર્ડ નંબર 3 થી 7માં ભાજપની પેનલનો વિજય પરચમ લહેરાયો છે.