આજે બીજા દિવસે પણ કર્મચારીઓની હડતાળ યથાવત
કર્મચારીઓ સર્કિટહાઉસના પટાંગણમાં એકઠા થઇ રોષ વ્યક્ત કર્યો હતો
રાજકોટની મધ્યમાં આવેલા સર્કિટહાઉસમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા 40 કર્મચારી શનિવારે સાંજે હડતાળ પર ઉતરી ગયા હતા, કોન્ટ્રાક્ટ પેઢી દ્વારા દર મહિને નિયત સમયે પગાર ચૂકવાતો નહીં હોવાનો અને ચાલુ મહિને પણ પગાર નહીં ચૂકવાતા હડતાળ શરૂ કર્યાનો કર્મચારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આજે બીજા દિવસે પણ કર્મચારીઓની હડતાળ યથાવત છે. આજે ફરી કર્મચારીઓ સર્કિટહાઉસના પટાંગણમાં એકઠા થઇ રોષ વ્યક્ત કર્યો હતો.
સર્કિટહાઉસમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં સિક્યુરિટી, સ્વિપર, રૂમ બોય, પેન્ટ્રી બોય, રિસેપ્શનિસ્ટ અને સુપરવાઇઝર સહિત 40 જેટલા કર્મચારી કામથી અગળા રહી બે દિવસથી હડતાળ પર છે. તમામ કર્મચારીઓ સર્કિટહાઉસના જ કેમ્પસમાં એકઠા થયા હતા અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓએ આક્રોશ સાથે કહ્યું હતું કે, સર્કિટહાઉસમાં કર્મચારીઓ પૂરા પાડવાનો નવી પેઢીએ ત્રણ મહિનાથી કોન્ટ્રાક્ટ મેળવ્યો છે.
- Advertisement -
27.5 ટકા ડાઉન ટેન્ડર ભરી કોન્ટ્રાક્ટ મેળવ્યા બાદ પ્રથમ મહિનાથી જ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને પગાર ચૂકવવામાં મોડું કરવામાં આવતું હતું, ચાલુ મહિને પગાર આપવામાં આવ્યો નહોતો અને પગાર અંગે પૂછપરછ કરતાં ઉદ્ધતાઇ કરવામાં આવી હતી, આથી રોષે ભરાયેલા કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા, સર્કિટહાઉસના અધિકારીએ આ મામલે એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુધી વાત પહોંચાડી હતી. પરંતુ કર્મચારીઓની વ્યથા તેમણે પણ સાંભળી નહોતી. જ્યાં સુધી પગારની ચોક્ક્સ તારીખની ખાતરી નહીં મળે ત્યાં સુધી હડતાળનો કર્મચારીએ સૂર વ્યક્ત કર્યો હતો.