અદાલતે આરોપીઓને રૂા. 21 લાખનો દંડ ફટકાર્યો: રૂા. 20 લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવવા અને રૂા. 1 લાખ સરકારમાં જમા કરાવવા હુકમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ડો. યાજ્ઞિક રોડ પર ઈમ્પીરીયલ પેલેસ હોટલ સામે વ્યવસાય કરતા હરીભાઈ રામજીભાઈ ચંદારાણા સાથે થયેલી નાણાકીય લેતીદેતીના કેસમાં અદાલતે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. જસદણ સ્થિત જલારામ કોટન એન્ડ પ્રોટીન્સ લિ. (જલારામ જીનિંગ ફેક્ટરી) ના ભાગીદારોએ ધંધાના વિકાસ માટે ફરિયાદી પાસેથી કુલ રૂા. 50 લાખ મેળવ્યા હતા. જે પૈકીના રૂા. 20 લાખ પરત કરવા માટે આપવામાં આવેલો ચેક રિટર્ન થતા અદાલતે પાંચેય આરોપીઓને કસૂરવાર ઠેરવી સજા ફટકારી છે.
કેસની વિગતો મુજબ, આરોપી આનંદભાઈ અરવિંદભાઈ પોપટ અને તેમના અન્ય ભાગીદારોએ ફરિયાદી પાસેથી સંબંધના દાવે રકમ ઉછીની લીધી હતી. આ લેણા પેટે આરોપીઓએ રૂા. 20 લાખનો ચેક ઇસ્યુ કરી આપ્યો હતો અને ખાતરી આપી હતી કે ચેક બેંકમાં રજૂ કરતા પાસ થઈ જશે. જોકે, ફરિયાદીએ ચેક જમા કરાવતા તે અપૂરતા ભંડોળને કારણે રિટર્ન થયો હતો. ત્યારબાદ કાયદેસરની નોટિસ આપવા છતાં રકમ પરત ન મળતા હરીભાઈ ચંદારાણાએ રાજકોટની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.
અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન ફરિયાદીના એડવોકેટ સુરેશ ફળદુ અને અન્ય વકીલોએ દલીલ કરી હતી કે આરોપીઓએ ચેકની સહી કે લેણા અંગે કોઈ તકરાર ઉઠાવી નથી. આરોપી પક્ષ ફરિયાદીના પુરાવાનું ખંડન કરવામાં નિષ્ફળ રહ્યો છે અને કાયદેસરનું દેવું હોવાનું પુરવાર થયું છે. સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખી મહે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે આરોપી આનંદભાઈ અરવિંદભાઈ પોપટ, જયેશ અરવિંદભાઈ પોપટ, ઘનશ્યામભાઈ અરવિંદભાઈ પોપટ, હર્ષદભાઈ અરવિંદભાઈ પોપટ અને જલારામ જીનિંગ ફેક્ટરીને તકસીરવાન ઠેરવ્યા હતા.
અદાલતે પાંચેય આરોપીઓને એક-એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ સાથે પાંચેય આરોપીઓએ સંયુક્ત અને વિભક્ત રીતે રૂા. 21 લાખ દંડ પેટે જમા કરાવવા હુકમ કર્યો છે. જો દંડની રકમ જમા ન કરાવે તો વધુ ત્રણ માસની સજા ભોગવવાનો આદેશ કર્યો છે. આ દંડની રકમમાંથી રૂા. 20 લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવવા અને રૂા. 1 લાખ સરકારમાં જમા કરાવવાનો આદેશ થતા કાનૂની જગતમાં આ ચુકાદો ચર્ચાનો વિષય બન્યો છે. આ કેસમાં ફરિયાદી વતી લલિતસિંહ જે. શાહી અને સુરેશ ફળદુ સહિતની ટીમ રોકાઈ હતી.



