સિવિલ હોસ્પિટલે ટોળાં ઉમટ્યા: DCP સહિતના અધિકારીઓ ખડેપગે
ASIએ મારકૂટ કર્યાના આક્ષેપ સાથે પરિવારજનોની ન્યાયની માંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
રાજકોટ કસ્ટડીયલ ડેથ કેસમાં ઇજાગ્રસ્ત બીજા યુવાનનું પણ મોત થયું છે. ઉપરાંત બીજો એવો ઘટસ્ફોટ પણ થયો છે કે, 3 લોકોને ઉઠાવી પોલીસે ઢોર માર માર્યો હતો ગત રાત્રે રાજુભાઈ ભગવાનજીભાઈ સોલંકી ઉ.45 પોતાના ઘરે બેભાન થઈ ગયા બાદ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા હતા. અગાઉ 16 એપ્રિલે હમીર ઉર્ફે ગોપાલ રાઠોડનું સારવારમાં મોત થયું હતું.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.14 એપ્રિલની રાત્રે રાજુભાઇને તેના પાડોશમાં રહેતા તેના કૌટુંબિક કાકી શારદાબેન બાવનજીભાઈ સરવૈયા સાથે ઝઘડો થયો હતો. ઝઘડાનું કારણ એવું હતું કે, બાવનજીભાઈ અપશબ્દો બોલતા હોય, રાજુભાઇએ બોલવાની ના પાડતા બોલાચાલી બાદ કાકી સાથે ઝઘડો થયેલો.
જેથી કાકીએ પોલીસ બોલાવી હતી જેથી રાજુભાઇનો પુત્ર જયેશ સોલંકી હમીરભાઈ ઉર્ફે ગોપાલભાઈને બોલાવવા ગયેલ. દરમિયાન બે કે ત્રણ પોલીસમેન પોલીસ વાનમાં આવ્યા હતા. હમીર, રાજુ અને જયેશને ઉઠાવી ગયા હતાં. પોલીસ મથકમાં ત્રણેયને માર માર્યો હતો. જેથી સગા સંબંધી અને પરિવારના સભ્યો પોલીસ મથકે દોડી જતા, હમીરને વધુ લાગી ગયું હોય પોલીસે 1 વાગ્યે જ છોડી દીધો હતો. જે પછી રાજુ અને જયેશ ઉપર ચેપ્ટર કેસ કરી અટકાયત કરી હતી. 15 એપ્રિલ સાંજે 6 વાગ્યા આસપાસ રાજુ અને જયેશને પણ જામીન પર છોડી દીધા હતા. પછી બીજે દિવસે સવારે હમીરભાઈનું મોત થતા બંને પિતા-પુત્ર વોકહાર્ટ હોસ્પિટલમાં ગયા હતા. રાજુભાઇને તબિયત ઠીક ન જણાતા તે ઘરે જતા રહ્યા હતા અને આરામ કરતા હતા. હમીરભાઈનો મૃતદેહ સ્વીકારી લીધા પછી તા.20 એપ્રિલે રાજુભાઇની તબિયત ખૂબ જ બગડતા તત્કાલ તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
- Advertisement -
તેઓ હોસ્પિટલ પોતાના પત્ની સોનલબેન અને પુત્ર જયેશ સાથે પહોંચ્યા એ વાત પોલીસને જાણ થઈ જતા તુરંત કેટલાક પોલીસમેન હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. જયેશે જણાવ્યું કે, સવારે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સાંજે ત્યાંથી નિકળ્યા હતા. આ દરમિયાન પોલીસના લોકો સિવિલ ડ્રેસમાં અમારી આસપાસ જ રહ્યા હતા. અમે ડોક્ટરને મારા પિતાને દાખલ કરવા કહ્યું પણ ડોકટરને સાદા ડ્રેસમાં રહેલા પોલીસ કર્મીએ કાનમાં કંઈક કહ્યું એ પછી મારા પિતાને દાખલ કરાયા નહોતા. ઘરે આવ્યા પછી મારા પિતા આરામમાં જ હતા. તેઓ ઉભા થઇ શકતા નહોતા.
ગત રાત્રે તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં લાવતા તેમને મૃત જાહેર કરાયા હતા બનાવ કસ્ટડીયલ ડેથમાં બેવડી હત્યામાં પલટાયો હતો. બનાવની જાણ થતાં લોકોના ટોળા એકત્ર થયા હતા. હોસ્પિટલમાં ડીસીપી, એસીપી સહિતના દોડી ગયા હતા રાજુભાઇ કારખાનામાં મજૂરી કરતા, તેમને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી છે. તેઓ બે ભાઈ, ત્રણ બહેનમાં બીજા નંબરના હતા. તેમનું મૂળ વતન ગોંડલ તાલુકાનું બેટાવડ ગામ છે. બેટાવડ ખાતે તેમની અંતિમ વિધિ થશે. પરિવારે કલ્પાંત સાથે જણાવ્યું કે, આ બનાવમાં મૃતકોને ન્યાય મળે તેવી જ મારી સરકાર પાસે માંગ છે.