વિદ્યાના ધામના વધુ એક વિવાદે ચર્ચા જગાવી
વાલી પ્રિન્સિપાલને ગાળો ભાંડતા એટલે વિદ્યાર્થિનીને એલસી આપ્યું શાળા સંચાલકનો સમગ્ર મામલે બચાવ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના મોરબી રોડ પર આવેલી રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો સામે કોંગ્રેસના પ્રવક્તાએ ગંભીર આરોપો લગાવ્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આ સ્કૂલમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની માત્ર 10 મિનિટ મોડી થતા સંચાલકોએ તેને એલસી પકડાવી દીધું છે. જોકે આ આરોપોનું ખંડન કરતા શાળા સંચાલક મંડળનાં પ્રમુખ અને શાળાના સંચાલક ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, હકીકતમાં તે વિદ્યાર્થીનીનાં વાલી અવારનવાર લેઈટ આવતા હતા. અને પ્રિન્સિપાલ કઈક કહે તો તેને ગાળો ભાંડતા હતા. આ કારણે આકરો નિર્ણય લેવાની ફરજ પડી હતી.
કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, રાજકોટની કેટલીક ખાનગી શાળાઓના સંચાલકોની દાદાગીરી દિવસે-દિવસે વધી રહી છે જેનું કારણ જિલ્લા શિક્ષણ કચેરી તંત્રની નિષ્ક્રીયતા છે. જેમાં રાજકોટના મોરબી રોડ પર રતનપર નજીક આવેલ રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાની રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલમાં ધો.4માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તીર્થા ઉપેન્દ્રભાઈ પરમાર શાળામાં 10 દિવસ મોડી પડતા આ વિદ્યાર્થીનીને શાળાના પ્રવેશદ્વાર પરથી પ્રવેશ કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આ અંગે તેણીનાં વાલીએ શાળાના પ્રિન્સીપાલને રજુઆત કરતા સંચાલકે વિદ્યાર્થીનીને લીવીંગ સર્ટીફીકેટ પકડાવી દીધું હતું.
સમગ્ર મામલે શાળા સંચાલક મંડળનાં પ્રમુખ અને આ સ્કૂલના સંચાલક ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, આ આરોપોમાં કોઈ તથ્ય નથી. હકીકતમાં આ વિદ્યાર્થીનીનાં વાલીઓ અવારનવાર તેને મુકવામાં મોડા થતા હોવાથી પ્રિન્સિપાલ દ્વારા તેમને સમયસર આવવા ટકોર કરવામાં આવી હતી. જોકે લાજવાને બદલે ગાજતા હોય તેમ આ વિદ્યાર્થીનીનાં વાલીઓ પ્રિન્સિપાલ સાથે ઝઘડો કરતા હતા. અને છેલ્લે તો પ્રિન્સિપાલને ગાળો ભાંડી હતી.