બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થશે, શિક્ષણાધિકારી કચેરીએ તૈયારીઓ શરૂ કરી
ધોરણ 10 અને 12 માટે શહેર અને જિલ્લામાં પાંચ પાંચ ઝોન તૈયાર કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. ધોરણ-10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ બોર્ડ પરીક્ષાની તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાથી લઈને પરીક્ષા કેન્દ્રો નક્કી કરવાની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. રાજકોટ જિલ્લામાં ધોરણ-10માં આશરે 47,500 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 23,200 અને ધોરણ-12 સાયન્સમાં 7690 વિદ્યાર્થી પરીક્ષા આપવાનો અંદાજ છે. રાજકોટ જિલ્લામાં આ વર્ષે બોર્ડની પરીક્ષા માટે અત્યાર સુધીમાં કુલ 78,390 વિદ્યાર્થી નોંધાયા છે. રસપ્રદ વાત એ છે કે, આ સંખ્યા ગત વર્ષે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં માત્ર 40 જેટલી ઓછી છે, જે લગભગ સ્થિર સંખ્યા સૂચવે છે. પરીક્ષાર્થીઓની સંખ્યામાં ખાસ મોટો ફેરફાર ન હોવાથી, પરીક્ષા કેન્દ્રોની સંખ્યા અને વ્યવસ્થામાં પણ ગત વર્ષ જેટલું જ માળખું જળવાઈ રહેવાની સંભાવના છે. કુલ 2,753 બ્લોકમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. બોર્ડની માર્ગદર્શિકા અને સૂચનાઓ અનુસાર પરીક્ષા કેન્દ્રો નિયત કરવાની કવાયત ચાલી રહી છે. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને પારદર્શક પરીક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ કચેરીએ અગાઉથી આયોજન શરૂ કર્યા છે. પરીક્ષા દિવસો નજીક આવતાં કેન્દ્રોને અંતિમ સ્વરૂપ અપાશે.
- Advertisement -
આ વર્ષે જે પરીક્ષા કેન્દ્રો માટેના બિલ્ડિંગ નક્કી કરાયા છે ત્યાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર એનઓસી, બીયુ પરમીશન હોય તેને જ મંજૂરી આપી છે.
ધો.10માં સૌથી વધુ 180 બિલ્ડિંગ, 1583 બ્લોક, 47,500 વિદ્યાર્થી
ધોરણ વિદ્યાર્થી બિલ્ડિંગ બ્લોક
ધો.10 47,500 180 1583
ધો.12 સા.પ્રવાહ 23,200 91 780
ધો.12 સાયન્સ 7,690 37 390
કુલ 78,390 308 2,753



