રાજકોટમાં રખડતાં ઢોરનો આતંક, હજુ કેટલાના જીવ લેશે ?
એક મહિલા ગંભીર ઇજાગ્રસ્ત, બીજા મહિલા પોલીસના દાંત તૂટી ગયાં: 8 દિવસમાં પશુના આતંકની બીજી ઘટના
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં મનપા તંત્ર ઢોરને પકડવામાં સંપૂર્ણ પણે વામણું સાબિત થયું હોય તેવી ઘટના દિન-પ્રતિદિન નોંધાઈ રહી છે. રાજકોટીયન્સ તો છાશવારે પશુઓના આંતકનો ભોગ બનતા આવ્યા છે પરંતુ હવે પોલીસ તંત્ર પણ ઢોરના ત્રાસથી બાકાત ન હોય તેવી ઘટના આજે રાજકોટમાં સામે આવી છે. જેમાં રખડતી ગાયે 4 મહિલા પોલીસને અડફેટે લીધી હતી. તેમાય એક મહિલા પોલીસ તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમના દાંત તૂટી જતા તેઓ રડી પડ્યા હતા. મવડી પોલીસ દ્વારા જણાવાયાં અનુસાર સવારે 8:30 કલાકે પોલીસકર્મી પૂજા સદાદિયા અને ગાયત્રી દેવમુરારી તથા તેમની સાથે અન્ય બે મહિલા પોલીસ મવડી હેડ ક્વાર્ટરમાં પરેડ પૂર્ણ કરીને ઘરે પરત ફરતા હતા. એ સમયે ગાય આવી હતી અને ગાયત્રીબેનના બાઈક સાથે અથડાઈ હતી અને તેમને અડફેટે લીધા હતા.
જેને પગલે બે મહિલા પોલીસ ઘાયલ થયા હતા. તેમાંય ગાયત્રીબેનને હેરલાઇન ફેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી અને તેમના ચાર-પાંચ દાંત તૂટી ગયા હતા. જેના કારણે પોલીસકર્મીની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. હાલ ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે 8 દિવસ પહેલા નિવૃત્ત ફૌજી અને તેની પુત્રીને ગાયએ અડફેટે લીધા હતા ત્યારે મનપાએ નક્કર કામગીરી કરવાના દાવા કર્યા હતા. ત્યારે રાજકોટીયન્સ આ દાવા અને મનપાની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે.