ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ મથકે તાજેતરમાં જ જાલી નોટ સાથે આત્મીય કોલેજ અને ગારડી કોલેજના બે છાત્રોને ઝડપી લીધા હતા. હજુ આ બનાવ તાજો છે ત્યાં યુનિવર્સિટી પોલીસે ભંગાર ચોરીમાં શહેરની જાણીતી અને પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમની શાળાના ત્રણ સગીર વયના વિદ્યાર્થીઓને ઝડપી લીધા છે. પકડાયેલા આ ત્રણેય છાત્રો મિત્રો હોય તેઓને બર્થ ડે પાર્ટી કાલાવડ રોડ પર આવેલા મોંઘેરા કલબમાં મનાવવી હોય જેના માટે પૈસા ભેગા કરવા તેઓ ભંગાર ચોરીના રવાડે ચડયા હોવાનું જાણવા મળ્યું છે. એક વખત તેમાં સફળ થયા બાદ ફરી ચોરી કરવા જતાં પોલીસની ઝપટે ચડી ગયા હતા. જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાલીઓ માટે લાલબત્તી સમાન આ કિસ્સાની જાણવા મળતી વિગત મુજબ, રૈયા રોડ પર તુલસી સુપરમાર્કેટ સામે એક બાંધકામ સાઇટ પરથી સામાન ચોરી થયાની ઘટના સામે આવી હતી જે અંગે પોલીસે અલગ અલગ ઈઈઝટ ફૂટેજના આધારે તપાસ કરતા આખરે ચોરી કરનારને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આ ચોરી કોઈ રીઢા ચોર નહિ પરંતુ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા સગીર વયના ત્રણ વિદ્યાર્થીઓએ કરી હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
આરોપીઓની પુછપરછ કરતા ત્રણેય મિત્રો હોવાનું અને આગામી સમયમાં ત્રણ પૈકી એક મિત્રનો જન્મદિવસ હોવાનું સામે આવ્યું છે. આ મિત્રનો જન્મદિવસ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ મોંઘેરા ક્લ્બમાં ઉજવવા માટે પરિવાર પાસેથી પૈસા લઇ શકે તેમ ન હોવાથી ચોરીનો પ્લાન બનાવી અંદાજિત 150 કિલો જેટલા ભંગારની ચોરી કરી હતી.