કેન્દ્રીય મંત્રી માંડવીયાના પ્રયાસોથી ઘેડ વિસ્તારની મુસીબતોનો કાયમી ઉકેલ આવશે
ત્રણ તબક્કામાં 1500 કરોડના કામો, સૌરાષ્ટ્રનો પ્રથમ રબર ડેમ બનશે
પૂરના પાણીનો સમયસર નિકાલ અને ક્ષાર નિયંત્રણ માટે વિશાળ આયોજન
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર જિલ્લાના પ્રભારી તથા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. તેમણે જણાવ્યું કે, ઘેડ વિસ્તારમાં વર્ષોથી ચાલતી પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિવારણ લાવવા રાજ્ય સરકારે તબક્કાવાર આયોજન સાથે આશરે રૂપિયા 1500 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધીમાં માત્ર 13 કરોડનું ચુકવણું થયું છે અને ગેરરીતીના આક્ષેપો પાયા વિહોણા છે. સરકાર ઘેડની સમસ્યાનું નિરાકરણ લાવવા કટિબદ્ધ છે. પ્રથમ તબક્કામાં સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં નદીઓ-કેનાલોનું ડીસીલ્ટીંગ, ઝાડ-ઝાંખરા દૂર કરવાના કામો સહિત 139 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. કુલ 17માંથી 7 કામોને વર્ક ઓર્ડર આપવામાં આવી ચુક્યા છે, જેમાંથી 3 કામો જૂનાગઢ, 2 કામો પોરબંદર અને 2 કામો બરડા વિસ્તારમાં હાથ ધરાયા છે. અત્યાર સુધીમાં 36.67 કરોડમાંથી 13 કરોડનું ચુકવણું કરવામાં આવ્યું છે. બાકીના 10 કામોના ટેન્ડર મંજૂર થયા છે અને વહેલી તકે શરૂઆત થશે.
બીજા તબક્કામાં નદીઓ-કેનાલોના ડીસીલ્ટીંગ, કાંઠા સંરક્ષણ, જૂના સ્ટ્રક્ચરનું નવીનીકરણ તેમજ પાણીની જળસંગ્રહ ક્ષમતા વધારવા માટેનાં કામોનો સમાવેશ થાય છે. અંદાજીત 1394 કરોડના આ કામો માટે મંજૂરી પ્રક્રિયા ચાલી રહી છે. ત્રીજા તબક્કામાં નદીઓના મુખ પરના સ્ટ્રક્ચરોનું આધુનિકીકરણ, ભરતી નિયંત્રકોના નવીનીકરણ અને કનેક્ટિંગ ફ્લડ રિલીફ ચેનલો જેવા તકનીકી કામો હાથ ધરાશે. હાલ આ માટે આલેખન અને મોજણીની પ્રક્રિયા ચાલી રહી છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ઘેડ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને કારણે પૂર આવવું જરૂરી છે જેથી ક્ષાર નિયંત્રણ થાય, પરંતુ સમયસર પાણીનો નિકાલ થવો એટલું જ મહત્વનું છે. અગાઉ પણ કેટલાક કામો થયા છે, પરંતુ આ વખતે 1500 કરોડ સાથે વધારાના 350 કરોડના કામોનું પણ આયોજન છે. સેકોન એન્જિનિયરિંગ દ્વારા થયેલા સર્વે મુજબ નદીઓ જ્યાં દરિયામાં મળે છે ત્યાંનું મુખ સાંકડું થઈ જવાથી મુખ્ય સમસ્યા ઊભી થાય છે. તેના ઉકેલ માટે નદીઓને ઊંડી કરવી, નદીના મુખ પહોળા કરવાં, રબર ડેમ બનાવવાં અને કાંઠા મજબૂત કરવાં જેવા કામો હાથ ધરાશે. મધ્ય ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પ્રથમ રબર ડેમ મધવંતી ભરતી નિયંત્રણ વિસ્તારમાં બનશે. પત્રકાર પરિષદમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, અધિક જિલ્લા કલેક્ટર જે.બી. વદર સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.