ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લાની સૌથી મોટી અને એ ગ્રેડની નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈનો અભાવ, ખુલ્લી ઢાંકણા વિનાની જોખમી ગટર અને ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાઈ ગયા છે જેના કારણે છેવાડાના વિસ્તારમાં માંદગી વકરે કરી તેવી ભીતિ સેવાઈ રહી છે.
મોરબી શહેરના વોર્ડ નંબર 2 માં આવેલ વિસીપરામાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂગર્ભ ગટરની લાઈન તૂટી જવાના કારણે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજય છવાયું હતું જે મુદ્દે અગાઉ લેખિત અને ટેલીફોનિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકાની ટીમ પહોંચી ન હોવાથી મહિલાઓ મોટી સંખ્યામાં પાલિકા કચેરીમાં ધસી ગઈ હતી અને ચીફ ઓફિસરની ચેમ્બર બહાર મહિલાઓ બેસી ગઈ હતી
અને જ્યાં સુધી તંત્ર રજૂઆતને સાંભળી ઉકેલ ન લાવે ત્યાં સુધી કચેરી બહાર ન નીકળવા જીદ કરતા પાલિકા કચેરીના કર્મચારીઓ પણ દોડતા થઈ ગયા હતા.
આ મહિલાઓએ જણાવ્યું હતું કે, પ્રકાશ ટાઇલ્સ પાસેના વિસ્તારમાં 100 થી વધુ મકાનો છે અને પાણીના નિકાલ માટેની મુખ્ય ભૂગર્ભની લાઇન તૂટી ગઈ હોય જેના કારણે વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી સતત ઉભરાયા કરે છે અને તેના લીધે રોગચાળાનું જોખમ વધ્યું છે. બાળકો સ્કૂલે પણ જઈ શકતા નથી. વીસીપરાની મહિલાઓએ સાફસફાઇ મુદે કચેરીને ગજવી હતી અને ઉકેલ ન આવે ત્યાં સુધી બેસી જ રહેવાની જીદ કરતાં અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.