મોરબીમાં 600 દુકાનોમાં પોસ્ટર લગાવ્યા: પહેલગામ હુમલાના પડઘા મોરબી સુધી પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ આકરા પાણીએ જોવા મળી છે,જેમાં વિશ્વ હિંદુ પરિષદે દુકાનોની બહાર સ્ટીકર લગાવ્યા છે જેમાં કહ્યું છે કે,દુકાન જોઈને સામાનની ખરીદી કરો,દેશભરમાં ઠેર ઠેર પાકિસ્તાની અને આંતકી હુમલાની નિંદા થઈ રહી છે,મોરબીની બજારોમાં આવેલી દુકાનો પર આ રીતના સ્ટીકર લગાવવામાં આવ્યા છે.પહલગામ હુમલાની હૃદયદ્રાવક તસવીર સાથે પોસ્ટર
લાગ્યા છે.
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવાર 22મી એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 28 ભારતીયો મોતને ભેટ્યા હતા. જેના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે મોરબી વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ દ્વારા અનોખું અભિયાન હાથ ધરાયુ છે. જેમાં મોરબી શહેરની આશરે 600 જેટલી દુકાનોમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.
જેમાં ધર્મ જોઈને સામાન ખરીદવાની વાત કરવામાં આવી છે. આવું એટલા માટે લખવામાં આવ્યું છે કે, આતંકીઓએ ધર્મ પૂછીને ગોળી મારી હતી. વિશ્વ હિંદુ પરિષદ અને અનેક સામાજિક સંગઠનો દ્વારા જમ્મુ કાશ્મીરમાં બનેલી હીન ઘટનાને લઈને ઠેર ઠેર અનેક પ્રકારનો વિરોધ કરાઈ રહ્યો છે. તેમજ શ્રદ્ધાંજલિ અને મૌન રેલીઓ પણ કાઢવામાં આવી રહી છે. આ પોસ્ટ લગાવી હિંદુ સમાજને અનોખો મેસેજ અપાયો છે અને અલગ રીતે વિરોધ કરવામાં આવ્યો છે.
- Advertisement -
આવતીકાલે પૂતળાં દહન કરાશે
વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ દ્વારા આવતીકાલે તા. 25 શુક્રવારના રોજ મોરબી ખાતે સરદાર પટેલજીની પ્રતિમા થી નગર દરવાજા સુધી ચાલીને મૌન રેલી અને નગર દરવાજા ચોકમાં આતંકવાદીઓના પૂતળાનું દહન પણ કરવામાં આવશે. આ ક્રાયક્રમમાં સર્વે હિંદુ સનાતની સમાજ અને સંગઠનો જોડાય તેવી અપીલ કરાઈ છે.



