સ્વચ્છતા જાળવવા મ્યુનિસિપલ કમિશનરની અપીલ, ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી ઉપરાંત તેના ફોટો પણ જાહેર કરાશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
મોરબી મહાપાલિકા દ્વારા હવે જાહેરમાં કચરો ફેકનારના ફોટો પણ હોર્ડિંગમાં લગાવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે તેમની સામે દંડનીય કાર્યવાહી પણ યથાવત છે. જેથી શહેરીજનોને જ્યાં ત્યાં ગંદકી ન કરવા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે.
- Advertisement -
મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે જે પણ લોકો સ્વચ્છતા રાખવામાં સહકાર આપતા નથી. તેમના માટે છેલ્લા એક મહિનાથી કોર્પોરેશન દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે લોકો જાહેર જગ્યાઓ ઉપર યુરીનેશન કરતા હતા અને જે લોકો જાહેરમાં થુકે છે એના ફોટો હોર્ડિંગમાં લગાવામાં આવતા હતા પણ હવે જે લોકો જાહેરમાં કચરો ફેંકે છે તેના પણ ફોટો લગાવાનું શરૂ કરવામાં આવ્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે તમામ મોરબીવાસીઓને અપીલ છે કે શહેરના અનેક વિસ્તારની મે મુલાકાત પણ લીધી છે અને ત્યાંથી ફીડબેક પણ લીધા છે. બધા પાસેથી એવું જાણવા મળ્યું છે કે કચરો કલેક્શન કરવાની ગાડી આવે જ છે. જેથી લોકો કચરો ડોર ટુ ડોર કલેક્શનની ગાડીમાં જ નાખે તે જરૂરી છે. ઉપરાંત શહેરમાં જ્યાં જ્યાં કચરો પડ્યો હોય તેવા પોઇન્ટ છે એને પણ ટૂંકમાં હટાવવા માટેના પ્રયાસ કોર્પોરેશન દ્વારા થઈ રહ્યા છે.