ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકાના જૂની પીપળી અને નવી પીપળી રોડ ઉપર ફેક્ટરીએ નોકરી પુરી કરી ઘેર પરત જઈ રહેલા કેશિયરના બાઈક સાથે ફોર વ્હિલ અથડાવી અજાણ્યા ત્રણ શખ્સોએ રૂ. 29 લાખની લૂંટ ચલાવ્યાની ઘટનામાં મોરબી એલસીબી તેમજ તાલુકા પોલીસ સહિતની ટીમોએ લૂંટ કરનાર સાત આરોપીઓને દબોચી લીધા હતા જોકે એક આરોપી ફરાર છે ત્યારે આ લૂંટની ઘટનાની વધુ કડીઓ મેળવવા માટે પોલીસે સાતેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. મોરબી નજીક આવેલ કેલેફેકસન ટેકનો પ્રા.લી. ફેકટરીમાં કેશિયર તરીકે કામ કરતા અને નવી પીપળી ગામે રહેતા ચંદ્રેશભાઇ સવજીભાઇ શીરવી પાસેથી રૂ.29 લાખની ચકચારી લૂંટ કેસમાં પોલીસે સાત આરોપીઓને ત્રણ કાર, રૂ. 15 લાખ રોકડા અને છ મોબાઈલ મળીને કુલ રૂ. 28,30,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ લૂંટના ગુનામાં મનીષ સોલંકી (રહે. ચોટીલા) ની સંડોવણી ખુલતા તેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. લૂંટની ઘટનાના સાતેય આરોપીઓની વિધિવત ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે સાતેય આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. રિમાન્ડ દરમિયાન કુલ 29 લાખની લૂંટમાં 15 લાખ જ કબ્જે થયા હોય બાકીનો મુદામાલ કબ્જે કરવા તેમજ આ લૂંટમાં અન્ય બીજા કોઈ સંડોવાયેલા છે કે કેમ ? લૂંટ કર્યા બાદ ક્યાં રોકાયા અને કોણે આશરો આપ્યો તેમજ અગાઉ આવી કોઈ લૂંટ કે ધાડ કરી હતી કે કેમ તે સહિતની બાબતે આકરી પૂછપરછ કરવામાં આવશે.