છેલ્લા ત્રણ દિવસથી પાણી નહીં આવતા રહેવાસીઓમાં રોષ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મોરબીના રવાપર ગામ ની ઉમીયાનગ -2 સોસાયટીમા છેલ્લા ત્રણ દિવસથી પાણી નહી આવતા પાણી પ્રશ્ને 500 થી વધુ લોકોનું ટોળું પાણી પુરવઠા કચેરીએ ધસી જઇ હલ્લાબોલ કર્યો હતો. અને અધિકારીઓનો ઉધડો લીધો હતો. અને જો બે દિવસમાં પાણી નહી મળેતો રોષે ભરાયેલા લોકોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.
મોરબીના રવાપર ગામમાં છેલ્લા કેટલાક સમયથી પાણીના પ્રશ્નનની સમસ્યા ઉભી થઈ છે રવાપર ગામની વસતીમા વધારો થતા પાણીનો પ્રશ્ન વધુ ગંભીર બન્યો હતો જેના ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મોરબીના રવાપર ગામની પાણીની સમસ્યાને ઉકેલવા કરોડો રૂૂપિયાના ખર્ચે રવાપર ગામમા પાણીનો સંપ બનાવમાં આવ્યો છે જેનું પાંચ દિવસ પહેલા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરાયું છે. પરંતુ આ સંપ શું કામનો રવાપર ગામના લોકોને પાણી તો મળતું નથી. છેલ્લા ત્રણ મહિનાથી રવાપર ગામમાં પાણીની સમસ્યાએ માજા મુક્યા છે અનેક વખત કલેકટર, પાણી પુરવઠા વિભાગની કચેરી તેમજ ધારાસભ્યને રજુઆત કરવા છતાં પાણીની પરોજણ જેમની તેમ જ છે.
ત્યારે રવાપરના ઉમિયાનગર-2મા ત્રણ દિવસથી પાણી નહી મળતા લોકો રોષે ભરાયા હતા અને 500 થી વધુ લોકોનું ટોળું પાણી પુરવઠા વિભાગની કચેરીએ દોડી જઈ હલ્લાબોલ કર્યો હતો. અને પાણી આપો પાણી આપોના સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે સ્થાનિક દ્વારા જણાવાયું હતું કે આ મામલે પાણી પૂરવઠાની ઓફિસમાં ઉમીયાનગર -2 વિસ્તારના લોકો રજુઆત કરવા આવ્યા ત્યારે અધિકારીએ કોને પૂછીને આવ્યા તેવું કહી ગેર વ્યાજબી વર્તન કર્યું હતું. અને અધિકારી જાણે અમારા ઉપર મહેરબાની કરતા હોય તેવું વર્તન કર્યું હતું. પાણી પ્રશ્ને ધારાસભ્ય અને કલેકટર કહે છે કે આ કામ પંચાયતમાં આવે જ્યારે પંચાયત કહે છે પાણી પુરવઠામાં આવે છે. અમારે આ પ્રશ્ને જવું કયા ? જેથી આ મામલે લોકોએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો.
- Advertisement -
તેમજ કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ ટાંકો કોના માટે બનાવ્યો છે જ્યારે પાણી તો તમે આપતા નથી અને જ્યારે લોકાર્પણ કરવાનું હોય ત્યારે ટાઈટ માઈટ થઈને પોહચી જાવ છો તમને શરમ નથી આવતી જેવા શબ્દો વડે કટાક્ષ કરી અધિકારીઓને આડેહાથ લીધા હતા.
અને પાણીના પ્રશ્ન બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારે પાણીના પ્રશ્ન બાબતે અધિકારીઓ અને સરપંચ એકબીજાને ખો દેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અને વધુમાં સ્થાનિક દ્વારા જણાવાયું હતુ કે આગામી બે દિવસમાં જો પાણીના પ્રશ્નનુ નિરાકરણ નહી આવે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.