સ્થાનિકો ખનિજ ચોરી સામે રજૂઆત કરતા માફિયાઓ દ્વારા ધમકાવતા હોવાની રાવ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્રના ચાર હાથ ખંજન માફિયા પર હોવાના લીધે હવે ખનિજ માફીયાઓ એટલા હદે વણસી ગયા છે કે ગૌચર જમીનને પણ છોડતા નથી. આ ખનિજ માફીયાઓ દ્વારા ગૌચર જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરી સફેદ માટીનું ખનન ચલાવી રહ્યા છે જ્યારે ગ્રામજનો દ્વારા ખનિજ માફીયાઓ વિરૂદ્ધ રજૂઆત કરે તો આ રજૂઆતની જાણ તુરંત ખનિજ માફિયાઓને થઈ જાય છે અને રજૂઆત કરનારને ધમકી આપી દાદાગીરી કરતા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ગેરકાયદેસર ખનનની સાથે દાદાગીરી પર ઉતરી ગયેલા ખનિજ માફિયાઓને કોઈનો ડર રહ્યો ન હોય તે પ્રકારે ધોળા દિવસે સફેદ માટીની ખનિજ ચોરી કરતા નજરે પડે છે. જ્યારે તંત્ર પણ આ માફિયાઓને પ્રોત્સાહન પૂરું પાડતું હોય તે પ્રકારે ગેરકાયદેસર ખનન થતાં સ્થળ પર જાય એટલે બિન વારસી પંચનામુ દર્શાવી ત્યાંથી છટકી જાય છે. જેથી આ પ્રકારની તંત્ર દ્વારા કામગીરીને લીધે ખનિજ માફીયાઓ દ્વારા ગાયો માટેની ગૌચર જમીન પર ખોદકામ શરૂ કરી ખનીજના ભંડારને લૂંટી રહ્યા છે.
- Advertisement -
મૂળી પંથકનાં કયા-કયા ગામોમાં સફેદ માટીનું ખનન થઈ રહ્યું છે?
મુળી પંથકના સડલા, દુધઈ, કળમાડ, ખંપાળીયા, ગઢડા, રાણીપાટ, ડાઘોળીયા, શેખપર સહિતના ગામોમાં સરકારી અને ગૌચર જમીન પર ખનિજ માફીયાઓ સફેદ માટીની ગેરકાયદેસર ખાણો ચલાવી રહ્યા છે.