રાજકોટના ગૌરવ પથ કાલાવડ રોડ સહિતનાં અનેક સ્થળોએ ખાડારાજ
ચોમાસાનાં શરૂઆતમાં જ રાજકોટ શહેરમાં મામુલી વરસાદ વરસ્યો છે. જો કે, આ મામુલી વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. નવા રાજકોટના ગૌરવ પથ કાલાવડ રોડ સહિતનાં સ્થળોએ ખાડારાજ જોવા મળી રહ્યું છે. કેકેવી ચોક સહિતના સ્થળોએ પડેલા ખાડાને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટમાં શહેરમાં દરવર્ષે ચોમાસા પૂર્વે મનપાતંત્ર દ્વારા પ્રી મોન્સુનની કામગીરીના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે.
- Advertisement -
પરંતુ દરેક ચોમાસામાં રાજમાર્ગોની હાલત અતિ બિસ્માર થઇ જતી હોય છે. તંત્ર દ્વારા કેવી નબળી કામગીરી કરવામાં આવી છે, તેની મેઘરાજા પોલ ખોલી નાખે છે. જેને લઈને તંત્રની કહેવાતી કામગીરીનો ફિયાસકો થઇ જાય છે. કાલાવડ રોડ, જીવરાજ પાર્ક રોડ, રૈયાધાર, શાંતિનગરમાં ઠેર-ઠેર નાના મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. સ્પીડવેલ પાર્ટી પ્લોટ તરફથી કણકોટ જતા રસ્તે રસ્તામાં ધરબાયેલા મોટા પથ્થરો રોડમાંથી બહાર ડોકિયું કરી ભ્રષ્ટાચારનો પુરાવા આપી રહ્યા છે.