“જંગલ ગાજે ને જગ ડરે, સાવજ પાડે ત્રાડ, પણ બાળ જ્યાં વળગે માતને, ત્યાં હેત તણો વરસાદ”
સાસણ ગીરમાં સિંહબાળ અને સિંહણના અતૂટ સ્નેહની સરવાણી વહી
અતૂટ પ્રેમની ક્ષણો કેમેરામાં કેદ કરનારા પ્રવાસીઓ પણ પોતાને ભાગ્યશાળી માન્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
ગિરિના ગહન ખોળે માતૃત્વનું પ્રગટીકરણ જ્યાં એશિયાઈ સિંહોની ગર્જનાથી ધરતી ધ્રૂજે છે, એવા ગીરના અભયારણ્યમાં આજે કુદરતે પોતાનું સૌથી કોમળ અને વત્સલ સ્વરૂપ પ્રગટ કર્યું છે. સાસણની કેશવાળી વચ્ચે જ્યારે સૂર્યના કિરણો વનરાજીને ચીરીને જમીન પર પથરાતા હતા, ત્યારે એક ઘટાદાર વૃક્ષની છાયામાં મમતાનો મધુર સંગમ જોવા મળ્યો હતો. સિંહણ અને તેના નવજાત સિંહબાળ વચ્ચેના આ અતૂટ સ્નેહનું દ્રશ્ય માત્ર એક નજારો નથી, પરંતુ પ્રકૃતિની સર્વોચ્ચ કવિતા છે. માતૃત્વનું અમૃતપાન અને “જનનીની જોડ” સિંહબાળ જ્યારે પોતાની માતાનું ધાવણ લઈ રહ્યું હોય, ત્યારે સિંહણની તેજસ્વી આંખોમાં છલકાતી સૌમ્યતા જોનારાને સ્તબ્ધ કરી દે તેવી હતી. જંગલના કાયદા મુજબ જે સિંહણ શિકાર માટે જાણીતી છે, તે આજે પોતાના સંતાન માટે વત્સલતાનું ઝરણું બની ગઈ હતી. આ દ્રશ્ય જોઈને સાહિત્યકાર બોટાદકરની અમર પંક્તિ “જનનીની જોડ સખી નહીં જડે રે લોલ” સાક્ષાત્સાર્થક થતી જણાતી હતી. વનરાજની પત્ની ભલે ગમે તેટલી શક્તિશાળી હોય, પણ એક બાળકની “આઈ” તરીકે તે પ્રેમની મૂર્તિ સમાન ભાસતી હતી. વેકેશનના માહોલમાં પ્રવાસીઓ માટે સોનામાં સુગંધ ભળી હાલ નાતાલ અને થર્ટી ફર્સ્ટના મિની વેકેશનનો માહોલ જામ્યો છે. હજારોની સંખ્યામાં પ્રકૃતિપ્રેમીઓ ગીરની મુલાકાતે આવી રહ્યા છે. જંગલ સફારી દરમિયાન જ્યારે પ્રવાસીઓ જીપ્સીમાં સવાર થઈ વનદર્શન કરી રહ્યા હતા, ત્યારે અચાનક આ દ્રશ્ય નજરે પડ્યું હતું. સામાન્ય રીતે સિંહોના શિકાર કે ચાલ જોવાની આશા રાખતા પ્રવાસીઓ માટે આ માતૃપ્રેમનો આહલાદક વિડિયો જીવનભરનું સંભારણું બની ગયો છે. લોકોના મતે, ગીરના વનરાજને જોવા એ એક લ્હાવો છે, પણ સિંહબાળને માતાના ખોળે રમતા જોવું એ ઈશ્વરીય વરદાન સમાન છે. એક અનમોલ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ
વિડિયોએ લાખો લોકોના દિલ જીતી લીધા છે. વીડિયોમાં દેખાય છે કે સિંહબાળ તેની માતાને વળગીને હેત કરી રહ્યું છે અને સિંહણ ખૂબ જ શાંતિથી તેને પંપાળી રહી છે. આ દ્રશ્ય એ વાતની સાબિતી છે કે કુદરતના ખોળે માત્ર અસ્તિત્વની લડાઈ જ નથી, પરંતુ સ્નેહની અતૂટ કડીઓ પણ વણાયેલી છે. જંગલનો કાયદો કહે છે કે અહીં શક્તિનું રાજ ચાલે છે, પણ સાસણના આ દ્રશ્યે સાબિત કર્યું કે પ્રેમની શક્તિ સર્વોપરી છે. ગીરની શોભા અને સંસ્કાર જૂનાગઢ અને સાસણ ગીર માત્ર પર્યટન સ્થળો નથી, પણ તે પૃથ્વી પરના એવા જીવંત સંગ્રહાલયો છે જ્યાં માતૃત્વ અને પ્રકૃતિનો સીધો સંવાદ જોવા મળે છે. સિંહબાળ અને સિંહણના આ અતૂટ પ્રેમની ક્ષણો કેમેરામાં કેદ કરનારા પ્રવાસીઓ પણ પોતાને ભાગ્યશાળી માની રહ્યા છે. આ દ્રશ્યો આવનારી પેઢીને વન્યજીવ સંરક્ષણ અને પ્રકૃતિ સાથેના જોડાણનો મજબૂત સંદેશ પાઠવે છે.



