18 દિવસમાં જ 479 ઘરોના કુંડી, કુલર સહિતના પાત્રોમાંથી ડેન્ગ્યુ, મેલેરિયાના પોરાં મળ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ થતા વિવિધ રોગોચાળાએ દેખા દીધી છે. ત્યારે વાહકજન્ય રોગો જેમ કે મેલેરીયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયાની અટકાયતી માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. તા. 18-6-2025થી 20 વેક્ટર ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઘરની અંદરના પાત્રો ટાંકી, ગોળા, ફ્રીઝની ટ્રે, કુલર, કુંડા, પક્ષીઘર, ટાયર, ઘર ઉપરના પાણીના ટાંકા, ઘરની બહાર ખાડા ખાબોચીયામાં ડાયફ્લુ પાવડરના છંટકાવ, ઘરની ટાંકીમાં એબેટથી સારવાર, ઘરની બહાર ખાડામાં ઓઇલનો છંટકાવ વગેરે કામગીરી કરવામાં આવી રહી છે.
- Advertisement -
જેમાં વેટટરની ટીમના સભ્યો, ફીમેલ વર્કર, મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર, આશા બહેનોની કુલ 442 ટીમ કામ કરી રહી છે. જેનું સુપરવિઝન 62 સુપરવાઇઝર દ્વારા થઇ રહ્યું છે. આમ જિલ્લામાં કુલ 12 દિવસની કામગીરીમાં 26995 ઘરોનું સરવે કરવામાં આવ્યું હતું. જેમાં 431 ઘર પોઝિટિવ મળ્યા હતા. આ ઘરોમાં 86140 પાત્રો તપાસતા 479 પાત્રોમાં પોરા જોવા મળ્યા હતા.
આથી આ કામગીરીમાં જિલ્લાના 30 સ્થળો પર ગપ્પી માછલી મૂકવામાં આવી હતી. બીજી તરફ 110 લોકોમાં તાવના કેસ મળતાં જેના લોહીના નમૂના લઇ તપાસ કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી. ગોહિલની સૂચનાથી જિલ્લા મેલેરીયા અધિકારી ડો. જયેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા કક્ષાએથી ધારાબેન મોદી, અરવિંદભાઈ માલવણીયા, મનોજસિંહ પરમાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
રાજ્ય કક્ષાએથી 20 વેક્ટર કંટ્રોલ ટીમની ફાળવણી
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની સિઝનમાં તેમજ વરસાદના કારણે રોગચાળો વધુ પ્રમાણમાં ફેલાઇ છે. ત્યારે શહેરી તેમજ ગામડાઓમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતા કેસોમાં આવા સમયે વધારો થઇ જાય છે. પરિણામે જિલ્લામાં અગમચેતીના રૂપે રાજ્ય કક્ષાએથી 20 વેક્ટર કંટ્રોલ ટીમની ફાળવણી કરાઇ હતી. જેમાં વઢવાણમાં 5, લખતરમાં 2, મૂળી 1, સાયલા 1, ધ્રાંગધ્રા 3, પાટડી 3, લીંબડી 2, ચુડા 1, ચોટીલા 1 અને થાનગઢમાં 1 સહિત કુલ 20 વેક્ટર ટીમ જોડાઇ હતી.