શખ્સે દુષ્કર્મ આચરી પોતાના પાપ છૂપાવવા માટે બાળકીની હત્યા કરી ગામની સીમમાં ફેકી દીધી
માતાએ સેવ લેવા બાળકીને ગામમાં મોકલી હતી, આરોપીને ફાંસી આપો તેવી ગ્રામજનોની માંગ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
માસૂમ બાળકીઓ સાથેના દુષ્કર્મની ઘટનાઓમાં છેલ્લા ઘણા સમયથી વધારો થયો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામમાં હૈયું હચમચી જાય તેવી ઘટના બની છે. જેમાં આઠ વર્ષની કુમળી વયની દીકરી પાસે વસ્તુ મંગાવવાના બહાને ઘરમાં બોલાવી નરાધમ શખ્સે દુષ્કર્મ ગુજારી બાદમાં પાપ છુપાવવા માટે હત્યા કરી મૃતદેહને ગામના સીમાડે અવાવરૂ જગ્યામાં ફેંકી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. આ ઘટના સામે આવતા ગ્રામજનો અને પંથકમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ ગંભીર ઘટનાને લઈ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા અને એએસપી ઓમપ્રકાશ જાટએ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ દોર હાથમાં લીધાના ગણતરીના કલાકોમાં જ નરાધમ શખ્સની ઓળખ કરી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી શખ્સને ફાંસીની સજા અપાવવા તેના જ પરિવારજનોએ માંગ કરી છે.
મળતી વિગત મુજબ જંત્રાખડી ગામે માત્ર આઠ વર્ષની બાળાને બીડી બાકસ લેવા માટે મોકલ્યા બાદ બાળા એ વસ્તુ દેવા આવતા એની એકલતા જોઈને આ ગામના જ શામજી ભીમા સોલંકીએ દુષ્કર્મ આચર્યુ હતુ. દુષ્કર્મ આચરીને પોતાના પાપને છૂપાવવા માટે બાળકીની હત્યા કરી ગામની ભાગોળે આવેલા 66 કે.વી. સબસ્ટેશન પાસે ફેંકી દીધી હતી. એ પછી જાણે કે કશુ જ બન્યું જ નથી એમ ઘરે આવીને સૂઈ ગયો હતો. આ બનાવમાં બાળાની લાશને આજે જયારે પોલીસે પરિવારજનોએ સોંપી ત્યારે ભારે આક્રંદ છવાઈ ગયું હતુ. તેમજ ગામની મહિલાઓએ પોલીસની સામે આરોપીને ફાંસી આપો.ફાંસી આપોના પોકાર પડયા હતા. બાળાને જયારે પરંપરા મુજબ સમાધિ અપાઈ ત્યારે હજારો લોકોની આંખોમાં અશ્રુધારા વહેવા લાગી હતી.
માસુમ દીકરીને ગામમાં સેવ લેવા મોકલી હતી
કૌશિકગીરી ઇશ્વરગીરી મેઘનાથી મુંબઈ મુકામે દરજી કામ કરે છે. તેમના પત્ની જયશ્રીબેન મજૂરી કામ કરે છે. દસેક વાગ્યે પાડોશીએ માસુમ દીકરીને ગામમાં સેવ લેવા મોકલી હતી. ત્યારે રસ્તામાં આરોપી શામજી ભીમાભાઈ સોલંકીએ આ દીકરીને પૈસા આંપી તેમના માટે બીડી- બાકસ મંગાવ્યા હતા. બાદમાં બજારમાંથી વસ્તુઓ લઈ દીકરી બીડી-બાકસ દેવા ઘરમાં ગઇ એ સમયે ઘરમાં એકલો હોવાથી શામજીએ દીકરીને અંદર ખેચી દરવાજો બંધ કરી માસુમ ઉપર દુષ્કર્મ આચર્યુ હતુ.