ઈરાની સંસદે રાષ્ટ્રીય ચલણમાંથી ચાર શૂન્ય દૂર કરવાની યોજનાને મંજૂરી આપી
ઈરાનની સંસદે વર્ષોના ફુગાવા અને પ્રતિબંધો-સંબંધિત દબાણ પછી નાણાકીય વ્યવહારોને સરળ બનાવવા અને નાણાકીય પ્રણાલીમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના હેતુથી રાષ્ટ્રીય ચલણ, રિયાલમાંથી ચાર શૂન્ય દૂર કરવાની લાંબી ચર્ચા કરેલી યોજનાને મંજૂરી આપી છે.
- Advertisement -
ઈરાનની સંસદે તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ બિલ મંજૂર કર્યું છે. આ બિલ મુજબ, દેશના ચલણ રિયાલમાંથી ચાર શૂન્ય દૂર કરવામાં આવશે. આ ફેરફારનો અર્થ એ છે કે 10,000 રિયાલની વેલ્યૂ હવે સીધી 1 રિયાલ બરાબર થઈ જશે. જોકે આ પગલું માત્ર સંખ્યાઓનો ફેરફાર લાગે છે, પરંતુ તે ઈરાનની આસમાને પહોંચેલી મોંઘવારી, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને ડામાડોળ અર્થતંત્રની વાસ્તવિકતા દર્શાવે છે.
તો એવામાં હવે સવાલ એ થાય કે ઈરાન આ નિર્ણય શા માટે લઈ રહ્યું છે, આ પગલાંથી તેને શું લાભ થશે, શું અગાઉ કોઈ અન્ય દેશે ચલણમાંથી શૂન્ય દૂર કર્યા છે અને જો આવું થયું હોય, તો શું તેનાથી તે દેશની અર્થવ્યવસ્થામાં સુધારો આવ્યો છે? જાણીએ.
ઈરાનના ચલણ રિયાલની વાત કરીએ તો 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછીથી રિયાલ સતત નબળો પડી રહ્યો છે અને તેનું મૂલ્ય કાગળ કરતાં પણ ઓછું થઈ ગયું છે. ઉદાહરણ તરીકે, એક અમેરિકી ડોલર મેળવવા માટે 11,50,000 રિયાલ ચૂકવવા પડે છે. આનો સીધો અર્થ છે કે એક રોટલી ખરીદવા માટે પણ લોકોએ લાખોની નોટ ગણવી પડે છે.
- Advertisement -
તેલની આવક ઠપ્પ, મોંઘવારી 40% પાર
આ ઉપરાંત, છેલ્લા ઘણાં વર્ષોથી મોંઘવારીનો દર 35%થી ઉપર રહ્યો છે, જે ક્યારેક 40% કે 50% સુધી પણ પહોંચી ગયો છે. 2022માં IMFના એક રિપોર્ટમાં પણ ઈરાનની આ નાજુક સ્થિતિની નોંધ લેવાઈ હતી. ઈરાનની આવકનો મુખ્ય આધાર તેલની નિકાસ છે, પરંતુ અમેરિકી પ્રતિબંધોને કારણે ચીન સિવાય કોઈ દેશ તેની પાસેથી તેલ ખરીદી શકતું નથી. વર્લ્ડ બેન્કના મતે, તેલની નિકાસ બંધ થવાથી દેશના ખજાનાને મોટું નુકસાન થયું છે, જેના પરિણામે મોંઘવારી ચાર વર્ષ સુધી 40%ના સ્તરે ટકી રહી હતી.
ઈરાનમાં મોંઘવારીનો ઊંચો દર (1979થી 10%થી વધુ) નવી વાત નથી. ઇસ્લામિક ક્રાંતિ પછીથી આયાત વધુ અને નિકાસ ઓછી હોવાથી રિયાલનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. 2023માં તો સ્થિતિ એવી બની કે મોંઘવારીએ ચલણના અવમૂલ્યનને પણ વટાવી દીધું. પ્રતિબંધોને કારણે દેશમાં વિદેશી ચલણની અછત સર્જાઈ. આ રાજકીય અલગતા અને તણાવપૂર્ણ વૈશ્વિક સંબંધોએ ઈરાની અર્થવ્યવસ્થાને ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યું છે.
શૂન્ય દૂર કરવાથી શું થશે?
ઈરાનના સરકારી મીડિયા IRNA મુજબ, રિયાલનું નામ તો એ જ રહેશે, પરંતુ તેમાંથી ચાર શૂન્ય દૂર કરાશે. કેન્દ્રીય બેન્કને તૈયારી માટે બે વર્ષનો સમય મળશે. પછી ત્રણ વર્ષનો પરિવર્તનનો સમયગાળો હશે, જેમાં જૂની અને નવી એમ બંને નોટો ચલણમાં રહેશે.
આ ફેરફારમાં, 10,000 જૂના રિયાલ બરાબર 1 નવો રિયાલ ગણાશે. આનાથી લેવડ-દેવડ સરળ બનશે અને બિલની ચૂકવણીમાં ગણતરીની મુશ્કેલી દૂર થશે. ઉદાહરણ તરીકે, રોટલી માટે અગાઉના 10,000 રિયાલની જગ્યાએ હવે એક રિયાલ ચૂકવવો પડશે, એટલે કે લાખોને બદલે સેંકડોમાં ગણતરી કરવી પડશે.
ચલણમાંથી શૂન્ય દૂર કરવાનો અનુભવ અન્ય દેશોને કેવો રહ્યો છે, તે જોઈએ…
વેનેઝુએલા: મોંઘવારી ચરમસીમા પર પહોંચી ત્યારે 2018માં 5 શૂન્ય હટાવ્યા અને ફરીથી 2021માં પણ આવું કર્યું. પરંતુ મોંઘવારી હજી પણ ઊંચી છે.
ઝિમ્બાબ્વે: ઝિમ્બાબ્વેએ 2000ના દાયકામાં આવું કર્યું હતું. 10 ખરબ ડોલરની નોટમાંથી પણ શૂન્ય હટાવ્યા, પરંતુ વ્યવસ્થામાં સુધારો થયો નહીં.
તૂર્કિયે: તૂર્કિયેમાં આ નિર્ણય સફળ સાબિત થયો. વર્ષ 2005માં તૂર્કિયેએ 6 શૂન્ય હટાવ્યા અને નવું ચલણ ‘લિરા’ લાવ્યું. તેનાથી વિશ્વસનીયતા પાછી આવી અને મોંઘવારી નિયંત્રણમાં આવી.
બ્રાઝિલ: 1994માં ‘રિયાલ યોજના’ દ્વારા મોંઘવારીને રોકી. પરિણામે ઘણો મોટો બદલાવ આવ્યો.
ઘાના: 2007માં ‘સિસ્ટા’ હટાવી, પરંતુ વિદેશી રોકાણ પર તેની અસર મિશ્ર રહી.
આ યોજના દાયકાઓમાં ઈરાનમાં સૌથી મહત્વપૂર્ણ ચલણ સુધારણાઓમાંની એક છે, જે ચાલુ બાહ્ય અને આંતરિક દબાણો છતાં રાષ્ટ્રીય અર્થતંત્રને મજબૂત કરવાના સરકારના ચાલુ પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. (ઇલખા)




